૧૯૯૦માં અડવાણીએ બાબરી મસ્જીદ - રામજન્મભૂમિના મુદ્દે સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાનો આરંભ કરેલ. કોમવાદી ઝુંબેશને તોડી નાખવા માટે તેમજ લોકોના ધ્યાન બીજી તરફ વાળવા વિશ્વનાથ પ્રતાપસિંહે જ્ઞાતિવાદી હોળી સળગાવી! અને મંડળપંચના અહેવાલનો અમલ થશે એમ જાહેરાત કરી. મંડળ - કમંડળની આ અથડામણ અને જનતાદળના ત્રણેય નેતાઓ વિશ્વનાથ - દેવીલાલ - ચંદ્રશેખરની હંુસાતુંસીના કારણે જનતાદળમાં ભંગાળ પડ્યુ અને ચંદ્રશેખર વડાપ્રધાન તરીકે કોંગ્રેસે ટેકો આપ્યો અને બે મહિનાના ટુંકાગાળામાં કોંગ્રેસે ટેકો પરત ખેંચતા લોકસભા વચ્ચે કાચી મુદ્દતે વિખેરી નાખવી પડી અને લોકસભાની ૧૯૯૧ની ચૂંટણી દરમ્યાન રાજીવ ગાંધીની હત્યા થઈ અને આ કારણે આ દસમી લોકસભામાં કોંગ્રેસે ૨૩૨ બેઠકો મળી. આ સમયે રાજીવ ગાંધી પછી કોણ સવાલો ખડા થયા? આખરે નરસિંહરાવ બહુમતી માટેની ઘટતી બેઠકો અપક્ષો પાસેથી મેળવી કે ખરીદીને બહુમતી માટેની ૨૬૯ બેઠકો હાંસિલ કરી વડાપ્રધાન બન્યા.
ભારતીય રાજકારણમાં ત્રીજા મોરચાનો કોન્સેપ્ટ કામયાબ રહ્યો નથી. ભારતના રાજકારણમાં ત્રીજા મોરચાએ ચાર વડાપ્રધાનો આપ્યા છે પણ એકવાર પણ ત્રીજા મોરચાનો કોન્સેપ્ટ સફળ રહ્યો નથી! ભારતમાં અત્યાર સુધીમાં ત્રીજા મોરચાએ વી. પી. સિંહ, ચંદ્રશેખર, દેવગૌંડા અને ઈન્દરકુમાર ગુજરાલ ચાર વડાપ્રધાનો આપ્યા. જેમાં વી. પી. સિંહ અને ગુજરાલે અગિયાર મહિના અને દેવગૌડા માત્ર સાડા દશ મહિના માટે શાસન કર્યુ, વડાપ્રધાન પદે ટકી શકયા. જનતાદળમાં ભંગાણ પડીને ચંદ્રશેખર, રાજીવ ગાંધીની મદદથી વડાપ્રધાન બન્યા હતા. એ પછી કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લેતા ચંદ્રશેખર ચાર મહિનામાં જ વડાપ્રધાન પદેથી હટ્યા! ભારતમાં ત્રીજા મોરચાની સરકારો ટકતી નથી. ત્રીજા મોરચાની સરકાર ચલાવવા બે મુખ્ય પક્ષો કોંગ્રેસ - ભાજપ પૈકી કોઈ એકનો ટેકો હોવો જરૃરી છે તે અત્યાર સુધીના ભારતીય રાજકારણના ઈતિહાસથી ફલીત થાય છે.
હવે ૧૯૯૬ની અગિયારમી લોકસભા વિશે જાણીએ તો એ ચૂંટણીમાં લોકસભાની ૫૪૩ બેઠકમાંથી ૧૯૩ બેઠક મેળવનાર ભારતીય જનતાપક્ષને સરકાર રચવાની તક મળી અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા. પરંતુ બાબરી મસ્જીદ તોડનારા અને કોમવાદના નામે વગોવાયેલા ગણીને કોઈ પક્ષએ ટેકો ન આપતા બાજપેયીએ સતર દિવસમાં રાજીનામુ આપવુ પડ્યું. એ પછી ચૌદ પક્ષોના જોડાણથી બે સરકારો દેવગૌડા અને ગુજરાલ ૧૧-૧૧ મહિના ચાલી અને પછી લોકસભાનું અકાળે અવસાન થયું અને ફરી ચૂંટણી આવી. જે ૧૯૯૮ની બારમી લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે ૧૮૨ બેઠક સાથે ભાજપના વાજપેયીએ ૧૮ પક્ષોના સહકારથી ૮૬ સાંસદોના મેળવેલ ટેકાથી સરકાર રચી ! પણ આ મોરચો પણ ટકી ન શકતા એક જ વર્ષમાં ફરી લોકસભાની ચૂંટણી કરવી પડી અને આ ૧૩મી લોકસભાની ચૂંટણી ૨૩ ટુકડાઓ જોડીને બનાવેલી મોરચા સરકાર (NDA) ની પુરા પાંચ વર્ષ ટકી રહી અને વાજપેયી વડાપ્રધાન પૂરા ૫ વર્ષ બની રહ્યા અને ઈન્ડિયા સાઈનીંગ સાથે લડી, પરંતુએ ૨૦૦૪ની ચૂંટણીનાં પરિણામ ભારે અજગુત રહ્યા કોંગ્રેસને ૧૪૫ અને ભાજપને ૧૩૮ બેઠક મળી આમ (NDA) મોરચાનો પણ પરાજય થયો, કોંગ્રેસી મોરચા પાસે પણ બહુમતી બેઠકો ન હોવાથી ડાબેરી પક્ષોના ટેકાથી મનમોહનસિંઘ વડાપ્રધાન બન્યા અને મનમોહનસિંઘની કુશળતા અને પ્રતિષ્ઠાથી સાથી પક્ષોના સાથે અનેક પ્રકારના સમાધાન બાદ કોંગ્રેસી મોરચા સરકારે પાંચ વર્ષ પૂરા કર્યા!
એ પછી ૨૦૦૯ની પંદરમી લોકસભામાં યુપીએ અને એનડીએની ટક્કરમાં કોંગ્રેસને ૨૦૦ થી વધુ સીટો સાથે યુપીએ ગઠબંધન મજબુતી સાથે સરકાર બની અને મનમોહનસિંઘ વડાપ્રધાન બની રહ્યા. એ દરમ્યાન યુપીએના ગઠબંધનમાંથી મમતા બેનરજી હટી જતાં, મુલાયમસિંહ અને માયાવતીના બહારથીના ટેકાના સહારે અત્યારે સરકાર ચાલી રહી છે. ભારતના રાજકારણના ઈતિહાસમાં ભ્રષ્ટાચારના સૌથી વધુ આરોપો આ સરકાર પર થયા છે. ૧૬મી લોકસભાની ચૂંટણી ચાલુ વર્ષે થવાની છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ હાલથી જ ચૂંટણીઓની કમાન તથા પી. એમ. પદના ઉમેદવાર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાહેર કરાયા બાદ એનડીએના મુખ્ય ઘટક નીતીશકુમારે એનડીએથી છેડો ફાડી નાખેલ. આમ નરેન્દ્રભાઈ મોદીની ઉમેદવારી પછી આગામી લોકસભાની ચૂંટણી ભારે રસપ્રદ બની રહેશે અને ૧૬મી લોકસભાની ચૂંટણી ભારતીય રાજકારણમાં લાંબા સમય સુધી રહેશે તેવું દર્શાય છે. ચાલુ સાલ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, સાથોસાથ કેજરીવાલ વચ્ચે બની રહેવાની છે.