Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ટિક-ટૉક' શી બલા છે જેના લોકો દીવાના બની ગયા છે?

Webdunia
ગુરુવાર, 25 એપ્રિલ 2019 (10:47 IST)
સિન્ધુવાસિની
 
પહેલો સીન
 
'એક ચૂટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો રમેશ બાબુ?'
 
બૅકગ્રાઉન્ડમાં દીપિકા પાદુકોણના અવાજમાં 'ઓમ શાંતિ ઓમ' ફિલ્મનો આ ડાયલૉગ સાંભળવા મળે છે અને સામે એક છોકરીનો ચહેરો જોવા મળે છે. છોકરી પોતાની આંગળીઓ માથા પર લઈ જાય છે અને ભાવુક આંખો સાથે ડાયલૉગ બોલીને પોતાના હાથ હલાવે છે.
 
બીજો સીન
 
સ્કૂલ-ડ્રેસ પહેરીને બે છોકરા 'દીવાર'ના ડાયલૉગની નકલ કરવાનો પ્રયાસ કરે છે. 'મેરે પાસ ગાડી હૈ, બંગલા હૈ. તુમ્હારે પાસ ક્યા હૈ?' આ બધું એટલું રસપ્રદ હોય છે કે તેને જોતા જ લોકો હસવા લાગે છે.
 
ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહેલી દરેક વ્યક્તિને આવા નાના-નાના વીડિયો જોવા મળે છે. આ મોટા ભાગના વીડિયો ચીનની ઍપ્લિકેશન 'ટિક-ટૉક'ની દેણગી છે.
 
શું છે ટિક-ટૉક?
 
'ટિક-ટૉક' એક સોશિયલ મીડિયા ઍપ્લિકેશન છે કે જેની મદદથી સ્માર્ટફોન યૂઝર નાના-નાના વીડિયો (15 સેકેન્ડ સુધી) બનાવીને શૅર કરી શકે છે. 'બાઇટ ડાન્સ' તેની માલિકી ધરાવતી કંપની છે કે જેણે ચીનમાં સપ્ટેમ્બર 2016માં ટિક-ટૉક ઍપ્લિકેશન લૉન્ચ કરી હતી. વર્ષ 2018માં ટિક-ટૉકની લોકપ્રિયતા વધી અને ઑક્ટોબર 2018માં અમેરિકામાં તે સૌથી વધારે વખત ડાઉનલોડ થતી ઍપ્લિકેશન બની.
 
ગૂગલ પ્લેસ્ટોર પર ટિક-ટૉકનો પરિચય 'Short Videos for You' (તમારી માટે નાના વીડિયો) કહીને આપવામાં આવ્યો છે.
 
પ્લેસ્ટોર પર ટિક-ટૉક અંગે લખવામાં આવ્યું છે :
 
ટિક-ટૉક મોબાઇલથી નાના-નાના વીડિયો બનાવવાનું કોઈ સાધારણ માધ્યમ નથી. તેમાં કોઈ બનાવટ નથી. તે વાસ્તવિક અને અસીમ છે. તમે સવારે 7.45 કલાકે બ્રશ કરી રહ્યા હોય કે નાસ્તો બનાવી રહ્યા હોય, ગમે ત્યાં હોય, ટિક-ટૉક પર આવો અને 15 સેકંડમાં દુનિયાને તમારી કહાણી બતાવો.
 
ટિક-ટૉકની સાથે તમારું જીવન વધારે રસપ્રદ બની જાય છે. તમે જીવનની દરેક ક્ષણ જીવો છો અને દરેક સમયે કંઈક નવી વસ્તુની શોધ કરો છો. તમે તમારા વીડિયોને સ્પેશિયલ ઇફેક્ટ, ફિલ્ટર, બ્યુટી ઇફેક્ટ, રસપ્રદ ઇમોજી સ્ટિકર અને મ્યુઝિક સાથે એક નવો રંગ આપી શકો છો.
 
ભારતમાં ટિક-ટૉક
 
ભારતમાં ટિક-ટૉક ડાઉનલોડ કરવાનો આંકડો 100 મિલિયન કરતાં વધારે છે. ઇકૉનૉમિક ટાઇમ્સના એક રિપોર્ટ પ્રમાણે તેને દર મહિને આશરે 20 મિલિયન એટલે કે 2 કરોડ ભારતીયો વાપરે છે. ભારતીયોમાં ટિક-ટૉકની લોકપ્રિયતાનું અનુમાન એ વાતથી કરી શકાય છે કે આઠ મિલિયન એટલે કે 80 લાખ લોકોએ ગૂગલ પ્લેસ્ટોર પર તેનો રિવ્યૂ લખ્યો છે. ટિક-ટૉકનો ઉપયોગ મોટી સંખ્યામાં ગામડાં અને શહેરોના લોકો કરે છે. ચોંકાવનારી વાત એ છે કે સાત-આઠ વર્ષની ઉંમરનાં નાનાં-નાનાં બાળકો ટિક-ટૉકનાં દીવાનાં છે.
 
એટલું જ નહીં, હવે શ્રદ્ધા કપૂર, ટાઇગર શ્રોફ અને નેહા કક્કડ જેવાં બોલીવૂડ સ્ટાર્સ પણ ટિક-ટૉક પર આવી ચૂક્યાં છે.
 
ટિક-ટૉકની કેટલીક ખાસ વાતો
ટિક-ટૉકથી વીડિયો બનાવતા સમયે તમે તમારા અવાજનો ઉપયોગ કરી શકતા નથી. તમારે 'લિપ સિંક' કરવાનું હોય છે. જ્યાં ફેસબુક અને ટ્વિટર પર 'બ્લૂ ટિક' મેળવવા માટે એટલે કે પોતાનું એકાઉન્ટ વેરિફાઈ કરાવવા માટે સામાન્ય લોકોને ખૂબ મહેનત કરવી પડે છે. આ તરફ ટિક-ટૉક પર વેરિફાઇડ એકાઉન્ટવાળા યૂઝર્સની સંખ્યા ખૂબ વધારે છે. અને હા, તેમાં બ્લૂ ટિક નહીં, પણ ઑરેન્જ ટિક મળે છે. જે લોકોને ઑરેન્જ ટિક મળે છે તેમના એકાઉન્ટમાં'પૉપ્યુલર ક્રીએટર' લખેલું જોવા મળે છે. સાથે જ એકાઉન્ટ જોવાથી એ પણ ખબર પડે છે કે યૂઝરને કેટલાક હાર્ટ્સ મળ્યા છે. એટલે કે તેમના વીડિયોને કેટલા લોકોએ પસંદ કર્યો છે.
 
ખ્યાતિ અને કમાણીનું માધ્યમ
ટિક-ટૉકના કેટલાક ફાયદા પણ છે. ખાસ કરીને ગામડાં અને નાનાં શહેરો માટે આ એક સારું પ્લૅટફૉર્મ બની રહ્યું છે. ઘણા લોકો તેના માધ્યમથી પોતાના શોખ પૂરા કરી રહ્યા છે. જેમ કે જો કોઈ સારી કૉમેડી કરે છે કે સારો ડાન્સ કરે છે તો તેના માટે ટિક-ટૉક પ્રતિભા દર્શાવવાનો સારો મંચ છે. એટલું જ નહીં, ઘણા લોકો માટે તે કમાણી કરવાનું પણ માધ્યમ બન્યું છે. હરિયાણાના રહેવાસી સાહિલના ટિક-ટૉક પર 3,03,200 ફૉલોઅર્સ છે.
 
તેમણે બીબીસીને જણાવ્યું કે પોતાના વીડિયોના માધ્યમથી તેઓ 3000થી 5000 રૂપિયા મેળવે છે. સાહિલ ઇચ્છે છે કે તેમનું એકાઉન્ટ વેરિફાઈ થઈ જાય અને તેમના ફૉલોઅર્સ 10 લાખ સુધી પહોંચી જાય.
 
બિહારના ઉમેશ અત્યાર સુધી વીગો ઍપ પર પોતાના કૉમેડી વીડિયો પોસ્ટ કરે છે. તેનાથી તેઓ 5000થી 10000 સુધીની કમાણી કરી લે છે. બીબીસી સાથે વાતચીતમાં ઉમેશે જણાવ્યું, "મારા જેવી ગરીબ વ્યક્તિ માટે 10000 હજાર રૂપિયા ખૂબ મહત્ત્વ ધરાવે છે. હવે હું ટિક-ટૉક વાપરવાનું પણ વિચારી રહ્યો છું."
 
કેવી રીતે થાય છે કમાણી?
 
ટેક વેબસાઇટ 'ગેજેટ બ્રિજ'ના તંત્રી સુલભ પુરી જણાવે છે કે કોઈ દેશમાં ઍપ્લિકેશન લૉન્ચ કર્યા બાદ આ કંપનીઓ કેટલાક અલગઅલગ સ્થળેથી લોકોને કાયદેસર હાયર કરે છે. સામાન્યપણે એવા લોકોને હાયર કરવામાં આવે છે કે જેઓ દેખાવડા હોય, જેમને કૉમેડી આવડતી હોય, ગીત ગાવાં કે પછી ડાન્સ કરવા જેવી સ્કીલ હોય.
 
તેમણે દરરોજ કેટલાક વીડિયો પોસ્ટ કરવાના હોય છે જેના માટે તેમને પૈસા મળે છે.
 
આ સિવાય તેઓ ફિલ્મસ્ટાર્સ કે પછી એ કલાકારોને પણ તેમાં સામેલ કરે છે કે જેઓ સ્ટ્રગલ કરી રહ્યા છે અથવા તો પછી કારકિર્દી શરૂ કરી રહ્યા છે. આ રીતે તેમને પૈસા પણ મળે છે અને પ્લૅટફૉર્મ પણ.
 
બીજી તરફ કંપનીનો પ્રચાર પણ થાય છે.
 
સુલભ જણાવે છે, "આ સિવાય કંપની અને યૂઝર્સ માટે કમાણીનું અલગ મૉડલ પણ છે. ઉદાહરણ તરીકે જો કોઈ પોતાના વીડિયોમાં કોકા કોલાની એક બૉટલ બતાવે છે કે પછી કોઈ શૅમ્પૂની બૉટલ બતાવે છે તો બ્રાન્ડ પ્રમોશનની મદદથી પણ બન્નેને કમાણી થાય છે."
 
ટેક વેબસાઇટ 'ગિજબોટ'ના ટીમ લીડ રાહુલ સચાનના અનુસાર જો યૂઝરની કમાણી વ્યૂઝ, લાઇક, કૉમેન્ટ અને શૅરના પ્રમાણને જોઈ નક્કી થાય છે.
 
રાહુલ જણાવે છે કે આજકાલ મોટા ભાગની સોશિયલ મીડિયા ઍપ્લિકેશન વ્યૂઝ કરતા એંગેજમેન્ટ અને કન્વર્સેશન પર વધારે ધ્યાન આપી રહ્યા છે.
 
એટલે કે વીડિયો પર જેટલા વધારે લોકો રિએક્ટ કરશે અને જેટલા વધારે લોકો કૉમેન્ટ કરશે, તમારી કમાણી પણ એટલી વધારે થવાની શક્યતા છે.
 
 
એવું નથી કે ટિક-ટૉકમાં બધું સારું જ છે. સિક્કાની બીજી બાજુ પણ છે.
 
ગૂગલ પ્લેસ્ટોર પર કહેવામાં આવ્યું છે કે તેને 13 વર્ષથી વધારે ઉંમરવાળા લોકો જ વાપરી શકે છે. જોકે, તેનું પાલન નથી થતું. ભારત સહિત દુનિયાના તમામ દેશોમાં ટિક-ટૉકના માધ્યમથી જે વીડિયો બને છે તેમાં મોટી સંખ્યા 13 વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા લોકોની છે.
પ્રાઇવસીના મુદ્દે પણ ટિક-ટૉક ખૂબ ખતરનાક છે. કેમ કે તેમાં માત્ર બે પ્રાઇવસી સેટિંગ છે- પબ્લિક અને ઑન્લી. એટલે કે તમે વીડિયો જોનારા લોકોમાં કોઈ ફિલ્ટર લગાવી શકતા નથી. તમારા વીડિયો માત્ર તમે જોઈ શકો છો અથવા તો દરેક એ વ્યક્તિ જેની પાસે ઇન્ટરનેટ છે.
જો કોઈ યૂઝર પોતાનું ટિક-ટૉક એકાઉન્ટ ડિલીટ કરવા માગે છે તો તે જાતે ન કરી શકે. તેના માટે તમારે ટિક-ટૉકને રિક્વેસ્ટ કરવી પડે છે.
ટિક-ટૉક સંપૂર્ણપણે સાર્વજનિક છે. એટલે કોઈ પણ ગમે તેને ફૉલો કરી શકે છે, મેસેજ કરી શકે છે. તેમાં કોઈ ગુનાહિત કે અસામાજિક પ્રવૃત્તિના લોકો નાની ઉંમરનાં બાળકો કે કિશોરોને સહેલાઈથી ગુમરાહ કરી શકે છે.
ઘણાં ટિક-ટૉક એકાઉન્ટ અડલ્ટ કૉન્ટેન્ટથી ભરેલાં છે. ટિક-ટૉકમાં કોઈ ફિલ્ટર ઑપ્શન ન હોવાથી તેને દરેક ટિક-ટૉક યૂઝર જોઈ શકે છે, બાળકો પણ.
સુલભ પુરી કહે છે કે ટિક-ટૉક જેવી ચીની ઍપ્લિકેશનની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમાં કોઈ કૉન્ટેન્ટને રિપોર્ટ કે ફ્લૅગનો કોઈ વિકલ્પ નથી.
 
સુરક્ષા અને પ્રાઇવસી મામલે તે ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે.
 
તેમનું માનવું છે કે કંપનીઓએ એટલું તો કરવું જ જોઈએ કે 16 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા લોકોને ઍપ્લિકેશન વાપરવાથી રોકે.
 
સુલભ પુરીના જણાવ્યા અનુસાર અહીં બીજી મોટી સમસ્યા 'સાઇબર બુલિંગ'ની છે. સાઇબર બુલિંગ એટલે કે ઇન્ટરનેટ પર લોકોની મજાક ઉડાવવી, તેમને નીચા બતાવવા, ખરી ખોટી વાતો કહેવી અને ટ્રોલ કરવું.
 
તેઓ કહે છે, "તમે એ મહિલાનું જ ઉદાહરણ લઈ લો જે 'હેલ્લો ફ્રેન્ડ્સ, ચા પી લો'વાળા વીડિયો બનાવી રહ્યાં હતાં. તમે કહી શકો છો કે તેઓ પ્રખ્યાત અથવા તો વાઇરલ થવા માગતાં હતાં. દરેક વ્યક્તિ પ્રખ્યાત અથવા તો વાયરલ થવા માગે છે પરંતુ કોઈ ટ્રોલ થવા માગતું નથી. ટિક-ટૉક જેવી ઍપ્લિકેશન પર લોકોને ટ્રોલ કરવા અને લોકોની મજાક ઉડાવવી ખૂબ સહેલી છે."
 
વ્યવસાયે થેરાપિસ્ટ અને કાઉન્સિલર સ્મિતા બરુઆનું કહેવું છે કે ટિક-ટૉક સોશિયલ મીડિયા આપણા પૂર્વાગ્રહો અને માનસિકતા પરથી પડદો ઉઠાવે છે.
 
તેમણે કહ્યું, "મેં જોયું છે કે આવા વીડિયોમાં ઘણી વખત ગામડાં અને નાનાં શહેરોના લોકોની મજાક ઉડાવવામાં આવે છે. એ લોકોની પણ મજાક ઉડાવવામાં આવે છે કે જેઓ સોશિયલ મીડિયા પર ખાસ જોવા મળતા નથી. આવા સમયે 'ડિજિટલ ડિવાઇડ' સ્પષ્ટપણે જોવા મળે છે."
 
રાહુલ સચાન પણ માને છે કે ટિક-ટૉક જેવી ઍપ્લિકેશનને ભલે થોડી પણ નિયંત્રણમાં રાખવી જરૂરી છે.
 
તેમણે કહ્યું, "જુલાઈ 2018માં ઇન્ડોનેશિયાએ ટિક-ટૉક પર પ્રતિબંધ લગાવી દીધો હતો, કેમ કે મોટી સંખ્યામાં કિશોરો તેનો ઉપયોગ પોર્નેગ્રાફિક સામગ્રી અપલોડ અને શૅર કરવા માટે કરતા હતા. ત્યારબાદ કેટલાક ફેરફાર અને શરતો બાદ તેને ફરીથી લાવવામાં આવી."
 
રાહુલના જણાવ્યા પ્રમાણે ભારતમાં જે ઝડપે ફેક ન્યૂઝ ફેલાઈ રહ્યા છે તેને જોતા પણ ટિક-ટૉક જેવી ઍપ્લિકેશન પર લગામ લગાવવાની જરૂર છે.
 
તેઓ કહે છે, "આપણે જ્યારે કોઈ ઍપ્લિકેશન ડાઉનલોડ કરીએ છીએ તો પ્રાઇવસીની શરતો પર વધારે ધ્યાન આપતા નથી. બસ, યસ અને અલાઉ પર ટિક કરી દઈએ છીએ. આપણે આપણી ફોટો ગેલેરી, લોકેશન અને કોન્ટેક્ટ નંબર... આ બધી વસ્તુઓની એક્સેસ આપીએ છીએ. ત્યારબાદ આપણો ડેટા ક્યાં જઈ રહ્યો છે, તેનો શું ઉપયોગ થઈ રહ્યો છે, તેની આપણને કંઈ ખબર હોતી નથી."
 
રાહુલ જણાવે છે કે આજકાલ મોટા ભાગની ઍપ્લિકેશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કામ કરે છે.
 
તેવામાં જો તમે તેનો એક વખત ઉપયોગ કરો છો તો તે તમારી સાથે જોડાયેલી ઘણી માહિતી હંમેશાં માટે પ્રાપ્ત કરી લે છે. આથી વધુ સતર્ક રહેવાની જરૂર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

BJP નો જ રહેશે આગામી CM, એકનાથ શિંદે બોલ્યા - ભાજપા જે નિર્ણય લેશે તેનુ શિવસેના કરશે સમર્થન

ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો

Pakistan Protest- ઇમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રાતભર ચાલેલા ઑપરેશનમાં 500 લોકોની ધરપકડ

અમદાવાદમાં બનશે Imagicaa Entertainment Park રિવરફ્રંટની શોભા વધી જશે

શું બજરંગ પુનિયાનુ કરિયર ખત્મ થઈ ગઈ જાણો શા માટે ચાર વર્ષ માટે સસ્પેન્ડ કર્યા,

આગળનો લેખ
Show comments