સિંહરાજ અધનાએ મંગળવારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં P1-10m એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનીષ નરવાલ આ ઇવેન્ટમાં સાતમા સ્થાને રહ્યો. આ પહેલા ભારતની રૂબિના ફ્રાન્સિસ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સાતમા ક્રમે રહી હતી. તીરંદાજીમાં રાકેશ કુમાર ક્વાર્ટર ફાઇનલમાંથી બહાર થઈ ગયો. દરમિયાન પુરુષોની હાઇ જમ્પ T63 ફાઇનલમાં ભારતે બે મેડલ પણ જીત્યા હતા. મરિયપ્પન થંગાવેલુએ ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે શરદ કુમારને આ જ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનો આ 10 મો મેડલ છે. આ પહેલાં સોમવારે પણ ભારતને બે ગોલ્ડ મેડલ સહિત કુલ પાંચ મેડલ મળ્યા હતા.
10 મીટર એર પિસ્તોલ SH1ની ફાઇનલમાં 39 વર્ષીય સિંહરાજ અધાનાએ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અધાના 216.8 ના સ્કોર સાથે ત્રીજા સ્થાને રહ્યા. 237.9 પોઇન્ટ સાથે ચીનના યાંગ ચાઓ ગોલ્ડ જીતવામાં સફળ રહ્યો. જ્યારે ચીનના જ હોંગ જિંગના ખાતામાં સિલ્વર મેડલ આવ્યો હતો.