છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં માવઠાની અસર જોવા મળી રહી છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થવાને લીધે થોડુ ઘણું નુકશાન થવાના અહેવાલો પણ છે ત્યારે હવે ફરીવાર સૌરાષ્ટ્રમાં માવઠુ થવાની આગાહી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ અને અમરેલીમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.રાજસ્થાનની ઉપર 1.5 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જે દક્ષિણપશ્ચિમી દિશામાં આગળ વધીને પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. જેને કારણે દબાણમાં થયેલા ફેરફારથી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે અને છુટો છવાયો વરસાદ આવે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી આસપાસ રહ્યું હતું, જ્યારે સાંજના સમયે વાદળો બંધાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત ખાસ કરીને બનાસકાંઠા અને સૌરાષ્ટ્ર જેમાં રાજકોટ, અમરેલી અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત અમુક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. બીજી તરફ મહત્તમ તાપમાન 40 અને 41 ડિગ્રી સેલ્શિયસની વચ્ચે રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતનું હવામાન સૂકું અને આકાશ પણ સ્વચ્છ રહેશે તેમ જણાવ્યું છે.