Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જસદણ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન ચાલુ

જસદણ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન ચાલુ
, બુધવાર, 12 ડિસેમ્બર 2018 (12:47 IST)
ચુંટણીમાં મતદાર એક દિવસનો રાજા ગણાય છે  પરંતુ આ મતદારનો મીજાજ પરિણામ પહેલા પારખવો મુશ્કેલ છે, મતદારના મીજાજની અસર મતદાન ઉપર જરૃર જોવા મળે છે. જસદણ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન ચાલુ થઈ ગયું છે ત્યારે પ્રતિષ્ઠાનો જંગ જીતવા ભાજપ - કોંગ્રેસ એડી-ચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા અને પોતાની તરફેણમાં મતદાન વધારવાનાં પ્રયાસોમાં ગળાડૂબ બન્યા છે. આવા સમયે જસદણ વિધાનસભા બેઠકનાં ૫૬ વર્ષનાં ઈતિહાસમાં મતદારો અને મતદાનમાં થયેલી વધ-ઘટ પણ રસપ્રદ છે.
કોળી અને પાટીદાર સમાજનું વર્ચસ્વ ધરાવતી જસદણ વિધાનસભા બેઠક ઉપર છેલ્લા ૫૬ વર્ષમાં મતદારોમાં ચાર ગણો વધારો થયો છે. સૌ પ્રથમ વિધાનસભા ચૂંટણી ઈ.સ. ૧૯૬૨માં યોજાઈ હતી. ત્યારે જસદણ બેઠકમાં ૫૪૦૮૯ મતદારો હતા, જે અત્યારે વર્ષ ૨૦૧૮ માં યોજાઈ રહેલી પેટા ચૂંટણી સમયે વધીને ૨,૩૨,૧૧૬ થઈ ગયા છે.
ચુંટણી પંચ દ્વારા સમયાંતરે મતદાર નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. જેમાં અમુક મતદારોનાં નિધન કે સ્થળાતંરનાં કારણે નામ કમી થાય છે. તો થોકબંધ નવા યુવા મતદારોનો ઉમેરો પણ થાય છે.
આ પ્રક્રિયા પ્રમાણે, જસદણ, સાણથલી, આટકોટ, ભાડલા, કમળાપુર, શિવરાજપુર, વિંછીયા, પીપરડી, ભડલી અને મોટાદડવા વિસ્તારને સાંકળતી જસદણ વિધાનસબા બેઠક ઉપર સન ૧૯૮૫ની છઠ્ઠી ચૂંટણી સમયે ૯૬૨૫૦ મતદારો હતાં, જે વર્ષ ૧૯૯૦ની સાતમી ચુંટણી વખતે એક લાખનો આંક વટાવીને ૧,૨૧,૦૬૭ સુધી પહોંચી ગયા હતાં. જયારે બીજા ૧૨ વર્ષ બાદ એટલે કે, ૧૩મી ચુંટણી સમયે મતદારોની સંખ્યા બમણી થઈને ૨,૦૨,૫૧૧ થઈ ગઈ હતી. એટલે કે, સૌ પથમ ચુંટણી બાદ મતદારોની સંખ્યા બમણી થતાં ૨૮ વર્ષનો સમય વિતી ગયો હતો, જયારે બાદમાં માત્ર ૧૨ વર્ષમાં મતદારો વધીને બમણા થઈ ગયા હતાં.
નોંધનીય છે કે, ચુંટણી તંત્રનાં આંકડા પ્રમાણે, જસદણ બેઠક ઉપર સન ૧૯૭૨ માં ૮૦,૨૮૮ મતદારો હતા, પણ વર્ષ ૧૯૭૫ની ચુંટણી સમયે વધવાને બદલે ગટીને ૭૨,૬૯૩ નોંધાયા હતાં. જે ૭,૫૯૫ મતદારો ઓછા થવા પાછળ મત વિસ્તારનું નવું સિમાંકન થયાનું કારણભૂત હોવાનું તત્કાલીન રાજનીતિજ્ઞાોનું કહેવું છે જો કે, બાદમાં વર્ષ ૧૯૮૦ની ચુંટણીમાં મતદારોની સંખ્યા વધીને ૮૪,૯૩૩ થઈ ગઈ હતી. 
જસદણ બેઠક ઉપર અત્યાર સુધીમાં ૧૩ સામાન્ય ચુંટણી અને ૧ પેટા ચૂંટણી (૨૦૦૯) યોજાઈ ચુકયા છે. અને હવે આગામી તા.૨૦મી ડિસેમ્બરે વધુ એક પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે. અહીં રાજકીય પક્ષ કરતા ઉમેદવારનો પ્રભાવ વધુ જોવા મળ્યો છે. કારણ કે, ત્રણ વખત તો અપક્ષ ઉમેદવાર પણ ધારાસભ્ય તરીકે ચુંટાયા હોવાનો ઈતિહાસ છે. અત્યાર સુધીમાં કુલ ૧૧૭ ઉમેદવારો નશીબ અજમાવી ચુકયા છે. અને આગામી ચુંટણી માટે ૮ ઉમેદવારો મેદાને છે. સૌથી વધુ ૧૬-૧૬ ઉમેદવારો વચ્ચે ૧૯૬૦ અને ૨૦૧૨માં ચુંટણી જંગ ખેલાયો હતો. તેમાં અપક્ષ અને કોંગ્રેસનાં ઉમેદવારનો વિજય થયો હતો. એ જ રીતે ૧૯૯૫ અને ૨૦૦૯ (પેટા ચુંટણી)માં ૧૨-૧૨ ઉમેદવારો મેદાને હતાં. સૌથી ઓછા માત્ર બે ઉમેદવારો ૧૯૭૫ ની ચુંટણીમાં હતાં. જેમાં અપક્ષ ઉમેદવાર સામે કોંગ્રેસની હાર થઈ હતી.
મતદાનની વાત કરીએ તો સૌ પ્રથમ વિધાનસભા ચુંટણી - ૧૯૬૨માં જસદણ બેઠક ઉપર સૌથી ઓછું માત્ર ૪૦.૭૯ ટકા જ મતદાન થયું હતું. જયારે સૌથી વધુ સન ૨૦૧૨ની ચુંટણીમાં ૮૧.૧૮ ટકા જેવું ધીંગુ મતદાન થયું હતું. જે બન્ને ચુંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. જો કે, છેલ્લા ૨૨ વર્ષથી જસદણ બેઠક ઉપર ૬૦ ટકાથી વધુ મતદાન નોંધાતું રહ્યું છે. હવે આગામી તા.૨૦મીએ પેટા ચુંટણીમાં કેટલું મતદાન થાય છે? એ સમય જ કહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેન્દ્ર અને રાજય સરકારના દાવા જુદા જુદા : રાજયના અંદાજ કરતા રપ ટકા મુડી રોકાણ પણ નથી થતુ