માગશર સુદ બીજના દિવસે તીર્થધામ બહુચરાજીમાં સંધ્યા આરતી બાદ 1800 લિટર રસ અને રોટલીનો પ્રસાદ શ્રધ્ધાળુઓને વહેંચવામાં આવ્યો હતો. 343 વર્ષ પૂર્વે બનેલી ચમત્કારિક ઘટના મુજબ, બહુચર માતાજીના પરમભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટને માતાજીએ સપનામાં આવીને કહ્યું કે, તમારી માતાનું અવસાન થયું છે તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની ઉત્તરક્રિયા કરવી જોઈએ. તો વલ્લભે કહ્યું કે, અમારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિભોજન થાય તેમ નથી.
માતાજીએ ધરપત આપતાં કહ્યું કે, કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને શાનું દુ:ખ. તમે અમદાવાદ જાઓ, ઉત્તરક્રિયા કરો અને જ્ઞાતિને ઇચ્છિત ભોજન આપો. હું તમને સહાય કરીશ. માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા હતા. જ્ઞાતિજનોએ માગસર માસ હોવા છતાં ભટ્ટજીનો ઉપહાસ કરવા રસ-રોટલીનું ભોજન માંગ્યું. વલ્લભ ભટ્ટે તે કબૂલ રાખ્યું. પણ પાછળથી ખ્યાલ આવ્યો કે માગસર મહિનામાં કેરી ક્યાંથી મળે. એટલે વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા. ત્યારે બહુચર માતાજી અને નારસંગવીર દાદાએ ભક્તની લાજ રાખતાં ભટ્ટજીના રૂપમાં આવ્યા, અને આખી નાતને રસ-રોટલીનું ભોજન જમાડ્યું હતું.
માતાજીના આ પરચાને આજે પણ બહુચરાજી માતા દર માગશર સુદ બીજના દિવસે જીવંત રાખવામાં આવ્યો છે. આજે પણ અહી માગશર સુદ બીજની રાત્રે સંધ્યા આરતી બાદ માતાજીને રસ રોટલીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. બાદમા અહીં આવતા હજારો ભક્તોને રસ રોટલીનું જમણ આપવામાં આવે છે. અહીંની સ્થાનિક બહેનો યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરેથી રોટલીઓ બનાવીને માતાજીને ધરાવે છે. આ રોટલીઓ ભક્તોને રસ સાથે પ્રસાદ રૂપે આપવામાં આવે છે.
માતાજીના પોતાના ભક્ત પ્રત્યેના આ ચમત્કારને આજે પણ લોકો યાદ કરે છે. ભર શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ લેવા અહી દુર દુર થી ભક્તો પધારે છે. મંદિરના પુજારીના જણાવ્યા મુજબ, આ ઈતિહાસ પરથી પણ એક શીખવા મળે છે કે, જયારે કોઈ મુસીબત આવે ત્યારે જો આપનો વિશ્વાસ દ્રઢ હોય અને તમે ઈશ્વર પર ભરોસો રાખો છો ત્યારે મુસીબતમાંથીમાંથી બહાર આવવાનો રસ્તો ઈશ્વર અવશ્ય કાઢી દે છે. બસ ભરોસો હોવો જોઈએ.