બુલેટ ટ્રેન પ્રોજેકટમાં નવસારી-વલસાડના આંબાના હજારો ખેતરો કપાશે તો ખેડૂતો ચૂપ નહિં બેશે
, સોમવાર, 10 ડિસેમ્બર 2018 (11:51 IST)
મુંબઈ-અમદાવાદને જોડતા 1.8 લાખ કરોડના બુલેટ ટ્રેનના ડ્રીમ પ્રોજેક્ટ માટે ધ નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા જમીન એકવાયર કરવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત JICA( જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી)ની ટીમે આજે નવસારીના અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લઈ તેમની સાથે બેઠક કરી ખેતરોની મુલાકાત લીધી હતી. 14મી સપ્ટેમ્બર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો આબે દ્વારા અમદાવાદખાતે મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારથી જ આ બુલેટ ટ્રેન પ્રોજકટનો દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો ભારે વિરોધ છે કેમકે આ પ્રોજેકટમાં તેમની હજારો એકર જમીન જાય છે. તેમના ખેતરો, ચીકુ તથા આંબાવાડીઓ બરબાદ થઈ જાય તેમ છે.
ખાસ કરીને સુરત જિલ્લાના અંત્રોલીમાંથી ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કરી ચૂક્યા છે. જેવી કોઈ પીટીશન વિથ ડ્રો થાય કે નવી પીટીશન થતી રહે છે. આવી 40 પીટીશન હાઇકોર્ટમાં છે. બુલેટ ટ્રેનના પ્રોજેકટમાં જતી જમીન બચાવવા ગુજરાતમાંથી સાગમાટે 1000 ખેડૂતો પીટીશન કરવાની તૈયારી કરી રહ્યાં છે. આ સ્થિતિ JICAની ટીમ દ્વારા ખેડૂતો સાથેની બેઠક પરિણામલક્ષી નથી રહી. કેમકે બીલીમોરા, વલસાડ અને નવસારીમાં આવેલી ખેડૂતોની કિંમતી જમીનોનો મોલ લેવા ખેડૂતો તૈયાર નથી. અહીં ખતમ થઈ જનાર ગ્રીન બેલ્ટના કારણે મનુષ્ય, પ્રાણી અને પક્ષી જગતને ભારે નુકસાન વેઠવું પડશે તેવું પર્યાવરણવિદ્યોનું કહેવું છે.
નવસારીખાતેની બેઠકમાં ખેડૂત સમાજના આગેવાન JICA કંપનીના પ્રતિનિધિ મંડળ સમક્ષ રજૂઆતો કરી હતી. તેમનો મત હતો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન કરતાં અગાઉ પર્યાવરણ અને સામાજિક અસરને ધ્યાનમાં રાખવામાં આવે. નવસારી અને વલસાડમાં બુલેટ ટ્રેનના માર્ગમાં ઉપર આવતા આંબા અને ચીકુના સેંકડો ખેતરોનો નાશ થાય તેમ છે જેથી વૈકલ્પિક માર્ગની વિચારણા થવી જ જોઈએ. જમીન અધિકરણ 2013ના કાયદાને ધ્યાનમાં રાખીને જમીન સંપાદન કરવા માટે ઉગ્ર રજૂઆતો થઈ હતી.
ખેડૂત આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની સુનવણી વગર જમીન સંપાદન કરવાની કાર્યવાહી અન્યાયી છે. જો તમે કરવામાં આવશે તો દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે, ખેડૂત સમાજ અન્યાય ચલાવી લેશે નહિં. માત્ર દક્ષિણ ગુજરાતમાં જ નહિં પરંતુ જ્યાં જયાંથી આ બુલેટ ટ્રેન પસાર થવાની છે તેની વચ્ચે આવતો ગ્રીન બેલ્ટ ખતમ થઈ જાય તેમ છે જેના કારણે મહારાષ્ટ્રમાં પણ ખેડૂતોનો ભારે વિરોધ છે. હજી તો 29 નવેમ્બરના રોજ જ મહારાષ્ટ્રના ખેડૂતોએ દિલ્હીમાં રેલી કાઢીને બુલેટ ટ્રેનના પ્રોજેકટ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
આગળનો લેખ