રાજકોટ શહેરથી જામનગર અને દ્વારકા તરફ જતા વાહનચાલકો માટે ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. જૂના એરપોર્ટ નજીક છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી રેલવે ઓવરબ્રિજ (સાંઢિયાપુલ)ની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે અને તે ટૂંક સમયમાં જ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ અત્યાધુનિક બ્રિજ શરૂ થતાં જ રોજ અંદાજિત 1 લાખ જેટલા વાહનચાલકોને ટ્રાફિકની કડાકૂટમાંથી મુક્તિ મળશે અને તેમના સમય તેમજ ઈંધણની મોટી બચત થશે.
રાજકોટ-જામનગર રોડ પર આવેલો 46 વર્ષ જૂનો સાંઢિયા પુલ અત્યંત જર્જરિત થઈ ગયો હોવાથી, તેના સ્થાને નવો ફોરલેન બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. અંદાજે રૂ. 74.32 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ ફ્લાયઓવર બ્રિજની પહોળાઈ 16.40 મીટર અને લંબાઈ 602 મીટર છે. આ નવા બ્રિજમાં કુલ 21 સ્પાન બનાવવામાં આવ્યા છે, જેમાં સેન્ટ્રલ સ્પાનની લંબાઈ 36 મીટર રાખવામાં આવી છે. આ સિવાય ચોમાસામાં પાણીના નિકાલ માટે ખાસ બે આર.સી.સી. બોક્ષ કલવર્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
છેલ્લા બે વર્ષથી આ બ્રિજનું કામ ચાલુ હોવાને કારણે રાજકોટ બસપોર્ટ કે ત્રિકોણબાગથી જામનગર તરફ જતી એસટી બસો અને વાહનોએ શહેરની અંદરથી લાંબો ચકરાવો લેવો પડતો હતો. વાહનચાલકોએ કિશાનપરા, રૈયા રોડ અને 150 ફૂટ રિંગ રોડ થઈને માધાપર ચોકડી પહોંચવા માટે 10 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું, જેમાં 30 મિનિટ જેટલો સમય બગડતો હતો. હવે આ બ્રિજ શરૂ થતાં જ આ અંતર ઘટીને માત્ર 5 કિલોમીટર થઈ જશે અને મુસાફરો માત્ર 15 મિનિટમાં માધાપર ચોકડી પહોંચી શકશે.
બ્રિજ બંધ હોવાને કારણે એસટી બસો અને ભારે વાહનો કાલાવડ રોડ અને રૈયા રોડ જેવા શહેરના મુખ્ય આંતરિક રસ્તાઓ પરથી પસાર થતા હતા, જેના લીધે શહેરમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. હવે ફોરલેન બ્રિજ ચાલુ થતાં જ તમામ ભારે વાહનો ફરી આ હાઈવે પર ડાયવર્ટ થઈ જશે. આનાથી હોસ્પિટલ ચોક, રેલનગર, બજરંગવાડી, શીતલપાર્ક, માધાપર અને મોરબી રોડ તરફ રહેતા લાખો સ્થાનિક લોકોને ટ્રાફિકની મોટી સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે.
આ ઓવરબ્રિજ માત્ર જામનગર, દ્વારકા, મોરબી કે કચ્છ જતા મુસાફરો માટે જ નહીં, પરંતુ આરોગ્ય ક્ષેત્રે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. ગુજરાતની પ્રથમ એઇમ્સ (AIIMS) હોસ્પિટલને જોડતો મુખ્ય માર્ગ આ બ્રિજ હોવાથી, અગાઉ દર્દીઓને લાવવા-લઈ જવામાં જે સમય બગડતો હતો તેનો હવે અંત આવશે. કટોકટીના સમયે દર્દીઓને ઝડપી સારવાર આપવા માટે આ નવો સાંઢિયાપુલ ખૂબ જ મદદરૂપ અને જીવનરક્ષક સાબિત થશે.