Publish Date: Sat, 16 May 2026 (08:47 IST)
Updated Date: Sat, 16 May 2026 (09:01 IST)
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આજ(16મે)થી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે, જ્યાં તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ બેઠકો તેમજ કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે સવારે 10:00 વાગ્યે તેઓ SG હાઇવે પર કર્ણાવતી ક્લબ નજીક આવેલી દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરશે. આ બેઠકમાં 'ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા' અંતર્ગત વૃક્ષારોપણ, વિકાસ કાર્યો, તળાવોના ઇન્ટરલિન્કિંગ અને નવીનીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
SG હાઇવે અને માણસા નગરપાલિકાના વિકાસ કાર્યોની ચર્ચા
કેન્દ્રીય ગૃહ મંત્રી બપોર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે ગાંધીનગર લોકસભા વિસ્તાર અંગે બેઠક કરવાના છે, જેમાં SG હાઇવેના ડેવલોપમેન્ટને લઈને વિશેષ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતી માણસા નગરપાલિકાના તળાવો, હોસ્પિટલો અને અન્ય જનહિતના કાર્યો અંગે પણ અધિકારીઓ સાથે સમીક્ષા કરાશે. આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહે તેવી શક્યતા છે.
ચૂંટણીઓમાં જીત બાદ પ્રથમ મુલાકાત અને વિવિધ પ્રકલ્પોની સમીક્ષા
તાજેતરમાં આસામ, પુડુચેરી સહિત પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપાની ઐતિહાસિક જીત બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પ્રથમ વખત ગુજરાત પધારી રહ્યા છે. 16 મેના રોજ તેમની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પ્રગતિ હેઠળના વિવિધ વિકાસ પ્રકલ્પોની સમીક્ષા બેઠક યોજાશે. આ સાથે જ લોકસભા ક્ષેત્રની સાર્વજનિક હોસ્પિટલોની કામગીરી તેમજ અખંડ આનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરી અંગે પણ વિશેષ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.
નવા ચૂંટાયેલા કાઉન્સિલરો અને અભિયાનના ઇન્ચાર્જઓ સાથે મુલાકાત
ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કાર્યરત અનુપમ પહેલ “રમશે બાળક – ખીલશે બાળક” અભિયાન અંતર્ગત રમકડા એકત્રિકરણ અભિયાનના ઇન્ચાર્જઓ અને સહ-ઇન્ચાર્જઓ સાથે ગૃહમંત્રી સંવાદ કરશે. આ ઉપરાંત, તેઓ ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી તથા નારણપુરા વિધાનસભા વિસ્તારોમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા ચૂંટાયેલા કાઉન્સિલરો સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી તેમની સાથે વિવિધ વિષયો પર વાતચીત કરશે.
17 મેના રોજ મધુર ડેરીના નવા પ્લાન્ટ અને આઈ.ટી. પાર્કનું ઉદ્ઘાટન
મુલાકાતના બીજા દિવસે એટલે કે 17 મેના રોજ અમિત શાહના હસ્તે અમદાવાદના ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા નિર્મિત “મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક” આઈ.ટી. અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કરાશે. આ સાથે જ ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે મધુર ડેરી દ્વારા નિર્મિત 5 લાખ લીટર ક્ષમતાવાળા અદ્યતન પ્લાન્ટનું ઉદ્ઘાટન, ઇન્ફોસિટી ખાતે NID ના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર (IIC) નું લોકાર્પણ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે....
વધુ વાંચો