કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે આજે ટ્વિટ કરીને જણાવ્યું છે કે ‘મને ગઈ કાલે સેટેલાઈટ ફોનના માધ્યમથી ઉત્તરાખંડના ગુંજીમાં ફસાયેલા ગુજરાતના ભાવનગરમાં રહેતા વાસુદેવ સરવૈયા નામના વ્યકિતનનો ફોન આવ્યો હતો. તેમણે મને જણાવ્યું કે અમે 45 દિવસથી ઘરેથી નીકળ્યા છીએ. કૈલાસ માનસરોવરની યાત્રા કરીને પરત આવતી વખતે હાલ ઉત્તરાખંડના ગુંજીમાં છીએ અને અહિંયા અમે કેટલાક દિવસોથી ફસાયેલા છીએ. અહિંયા ફોનમાં નેટવર્ક નથી અને અન્ય કોઈ પણ પ્રકારની મદદ નથી મળી રહી. આ યાત્રા દરમિયાન અમને હેલિકોપ્ટર રાઈડ્સ માટે વાયદો કરવામાં આવ્યો હતો પણ અહિંયા કોઈ એવી સુવિધા આપવામાં નથી આવી. અને જણાવ્યું કે અમે 100થી વધુ લોકો અહિંયા ફસાયેલા છીએ.
શક્તિસિંહે કહ્યું કે તેમની વાત પરથી એવું લાગી રહ્યું હતું કે તેઓ બહુજ ગભરાયેલા છે. અને ત્યાં 100થી વધુ લોકો ફસાયા છે તેથી મે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ઉત્તરાખંડના ગુંજીમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે વિનંતી કરી છે અને વહેલી તકે આ માટે સરકાર કોઈ પગલા લે. આ વિદેશ મંત્રાલયની જવાબદારી છે. વડાપ્રધાન મોદી હાલ વિદેશયાત્રા પર છે. છતાંય હું વડાપ્રધાન મોદી અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને આ ફસાયેલા તમામ યાત્રીઓને બચાવવમાં માટે યોગ્ય વ્યવસ્થા કરે અને આગળ પણ તેમને કોઈ તકલીફ ન થાય તેવી આશા વ્યક્ત કરું છું.