ગુજરાતમાં ભાજપ સરકારના કથળેલા શાસનમાં નકામા થઇ ગયેલા અને ઉપયોગ કરી શકાય નહીં તેવા પોલિયો વેક્સિન બાળકોને આપવામાં આવી રહ્યા છે તેવો ગંભીર આક્ષેપ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો છે અને આ મામલે 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન', 'યુનિસેફ' ની તપાસની માગ કરી છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 'પોલિયો એવી બિમારી છે જે એકવાર થાય તો તેની કોઇ સારવાર નથી અને મનુષ્ય આજીવન વિકલાંગ બની જીવન વિતાવે છે.
પોલિયો થાય નહીં તેના માટે ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિનના ડોઝ આપવાના હોય છે. આઇપીવી વેક્સિન ૨ થી ૮ ડિગ્રી સેન્ટિગ્રેટેડ તાપમાન વચ્ચે જ રાખવાથી સલામત રહે છે. આ નિર્ધારીત તાપમાનમાં વધારો થઇ જાય તો વેક્સિન ઉપયોગપાત્ર રહેતા નથી. આમછતાં ગુજરાતની ભાજપ સરકાર વાપરવા યોગ્ય ના હોય તેવા વેક્સિન ગુજરાતના બાળકોને આપીને ગુનાઈત કરતૂત કરી રહ્યું છે. કચ્છ જિલ્લાના તેમજ મોરબીના મુખ્ય આરોગ્ય અધિકારીએ સ્પષ્ટ લખ્યું હતું કે જે વેક્સિન આપવામાં આવે છે તેનું વીવીએમ સ્ટેટસ અંતિમ તબક્કામાં છે. જેનાથી તે લાભાર્થી સુધી પહોંચે એ અગાઉ તે વાપરવા પાત્ર રહે નહીં તેવી પૂરી સંભાવના છે. આવી અનેક જિલ્લામાંથી રજૂઆત મળી હોવા છતાં ટેલિફોનથી આ જ વેક્સિનનો ઉપયોગ કરવા સૂચના અપાઇ છે.ઉપયોગમાં લઇ શકાય નહીં તેવા વેક્સિનનો સૌથી વધુ ઉપયોગ સૌરાષ્ટ્રમાં થયો હોઇ શકે છે. અમારી માગણી છે કે વેક્સિન ગુજરાતમાં આવ્યું ત્યારે તેની સ્થિતિ, વેક્સિનના વીવીએમ સ્ટેટ્સ અંગે તપાસ કરવામાં આવે. ભાજપ આ રીતે બેદરકારીભર્યા વલણથી બાળકોના આરોગ્ય સાથે ગુનાઈત ચેડાં કરી રહ્યું છે.'