ગુજરાત વિધાનસભા વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલને બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ અગાઉ બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે સી.પી. જોશી હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાં ઘર-મૂળથી ફેરફાર કરવાની શરૂઆત હાઇકમાન્ડ દ્વારા કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ તરીકે ભરતસિંહના સ્થાને યુવા નેતા અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. તે જોતાં આગામી દિવસોમાં યુવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા નવી ટીમની જાહેરાત કરવામાં આવશે. જેમાં પણ યુવાનોને વધુ સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અમિત ચાવડા આવતી કાલ તારીખ 3ના રોજ પ્રમુખપદનો ચાર્જ સંભાળશે. ત્યાર બાદ આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના કાર્યકર આગેવાનો સાથે મળીને વધુમાં વધુ બેઠકો કોંગ્રેસને મળે તે માટેની રણનીતિ ઘડશે.