Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં પૂરનું સંકટ: 1,200 રસ્તા બંધ અને શાળાઓમાં રજા, PM મોદીની CM સાથે વાતચીત, કેન્દ્ર આપશે તમામ મદદ

rain in gujarat
rain in gujarat
ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ભાગોમાં અતિભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. નદીઓ બે કાંઠે ઉભરાતા અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગઈ છે. નાગરિકોની સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સમગ્ર વહીવટી તંત્રને ખડેપગે તૈનાત કરવામાં આવ્યું છે.

પીએમ મોદી અને અમિત શાહની સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત

 
રાજ્યમાં સર્જાયેલી ગંભીર સ્થિતિની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. પીએમ મોદીએ કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે રાહત અને બચાવ કામગીરી અંગે ચર્ચા કરીને જરૂરી તમામ કેન્દ્રીય મદદ પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું.
 

મંત્રીઓ અને પ્રભારી સચિવોને ગ્રાઉન્ડ ઝીરો પર ઉતારાયા

 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને વરિષ્ઠ સચિવોને સૌથી વધુ અસરગ્રસ્ત સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં વહીવટીતંત્રને મદદ કરવા મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત, રેડ એલર્ટ ધરાવતા તમામ જિલ્લાઓમાં પ્રભારી સચિવોને તાત્કાલિક પહોંચીને પરિસ્થિતિ પર સીધી દેખરેખ રાખવાની સૂચના આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પ્રકોપ બતાવ્યો છે. સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીના આંકડા મુજબ નવસારીના ખેરગામમાં 16 inch, સુરતના ઉમરપાડામાં 15 inch અને વલસાડના ઉમરગામમાં 14 inch જેટલો અત્યંત ભારે વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં કાવેરી, અંબિકા, ખરેરા અને પૂર્ણા નદીઓ ભયજનક  સપાટી પર વહી રહી હોવાથી 218 જેટલા આંતરિક રસ્તાઓ બંધ થઈ ગયા છે.
 

 11 જિલ્લામાં રેડ એલર્ટ અને 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

 
હવામાન વિભાગ (IMD) ની આગાહી બાદ રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ દક્ષિણ અને મધ્ય ગુજરાતના 11 જિલ્લાઓ (દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ) માં રેડ એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને આણંદ સહિતના 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મોટા પાયે સ્થળાંતર: NDRF, SDRF અને આર્મી તૈનાત

વલસાડ જિલ્લામાં 12,000 થી વધુ અને નવસારીમાં 10,000 થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. વલસાડમાં 200 થી વધુ અને નવસારીમાં 50 થી વધુ લોકોને પાણીમાંથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયા છે. હાલ વલસાડમાં 3 NDRF અને 5 SDRF ટીમો કાર્યરત છે, જ્યારે વધારાની 4 NDRF ટીમો સુરત એરલિફ્ટ કરાઈ રહી છે. સાથોસાથ વલસાડ અને નવસારી માટે આર્મીની 2 કોલમ અને GSDMA ની 25 બોટ્સ રવાના કરવામાં આવી છે.
webdunia
rain in gujarat

1,200 થી વધુ રસ્તા બંધ અને શાળા-કોલેજોમાં રજાઓ

ભારે વરસાદ અને રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે રાજ્યમાં 1,200 થી વધુ રસ્તાઓ (મોટાભાગે પંચાયત હસ્તકના ગ્રામ્ય રસ્તાઓ) વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે રેડ અને ઓરેન્જ એલર્ટ ધરાવતા તમામ જિલ્લાઓમાં શાળા, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
 

નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ

 
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ તાપી જિલ્લામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિના થયેલા દુઃખદ મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે પૂરના પાણી કે વહેતા કોઝવે ઓળંગવાનો સાહસ ન કરવો, સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવું અને કોઈપણ આફત સમયે સરકારી હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

NDTA એ કનોટ પ્લેસમાં આવેલી તમામ ઓફિસો, દુકાનો અને રેસ્ટોરન્ટ્સને સાંજે 6:30 વાગ્યા પછી બંધ કરવાની અપીલ કરી છે