Publish Date: Sun, 19 Jul 2026 (13:07 IST)
Updated Date: Sun, 19 Jul 2026 (13:10 IST)
સુરત: દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સુરત શહેરમાં વહેલી સવારથી વરસેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો ઉપરાંત પોશ સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર પણ વરસાદી પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું છે.
સુરતના ઉમરા ગામ, પીપલોદ અને વેસુ જેવા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ અડાજણ, રાંદેર અને જહાંગીરપુરા વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટ અને ગરમી બાદ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
શ્યામ મંદિર અને VIP રોડ પર ઘૂંટણસમા પાણી
ધોધમાર વરસાદના કારણે સુરતના અનેક મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે. શ્યામ મંદિર વિસ્તાર અને VIP રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો પાણીમાં બંધ પડી જતાં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
BRTS કોરિડોરમાં પાણી ભરાતા બસ સેવા ખોરવાઈ
સુરતની મહત્વપૂર્ણ જાહેર પરિવહન સેવા BRTS કોરિડોરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે બસ સેવા પ્રભાવિત થઈ હતી. પાણી ભરાવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી.
વેસુમાં ભગવાન મહાવીર કોલેજ પાસે જળબંબાકાર
વેસુના ભગવાન મહાવીર કોલેજ આસપાસના વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ અને સ્ટાફને મુશ્કેલી પડી હતી. સતત વરસાદના કારણે સમગ્ર વિસ્તારના જનજીવન પર અસર જોવા મળી હતી. ભારે વરસાદ બાદ શહેરમાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.