Publish Date: Thu, 23 Jul 2026 (13:16 IST)
Updated Date: Thu, 23 Jul 2026 (13:39 IST)
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ રહેલા મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં આકાશી આફત આવી હોય તેમ ઉમરગામમાં આશરે 35.67 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબક્યો છે. સુરતમાં પણ ખાડીઓ ઓવરફ્લો થતાં હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે ટ્રાન્સપોર્ટ અને રેલવે સેવાને પણ મોટી અસર પહોંચી છે. તાપીમાં એક વ્યક્તિના ડૂબી જવાથી મોત સાથે અત્યાર સુધીમાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
વલસાડ જિલ્લામાં તબાહી: કલાકોમાં આખું શહેર ડૂબ્યું
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ પ્રલયકારી સ્વરૂપ ધારણ કર્યું છે. ઉમરગામ તાલુકામાં અત્યાર સુધીમાં 35.67 ઇંચ જેટલો વિક્રમી વરસાદ નોંધાયો છે, જેમાંથી માત્ર રાતના 1થી સવારે 6 વાગ્યા દરમિયાન જ 17.44 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય કપરાડામાં 29 ઇંચ, નાનાપોઢામાં 25.31 ઇંચ અને ધરમપુરમાં 20 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. વલસાડ શહેરમાં પાણી ભરાવાને કારણે મોંઘી કારો પણ ડૂબી ગઈ હતી અને અનેક વિસ્તારોમાં ફસાયેલા લોકોનું બોટ દ્વારા રેસ્ક્યૂ કરવું પડ્યું હતું.
સુરતમાં ખાડીઓ ઓવરફ્લો: 2,000થી વધુ લોકોનું સ્થળાંતર
સુરતમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. માત્ર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતાં ભેદવાડ અને સીમાડા ખાડીઓ ઓવરફ્લો થઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ખાડી નજીકના વિસ્તારોમાંથી 2,244 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ICCC ખાતેથી તંત્રનું સઘન મોનિટરિંગ
સુરત મહાનગરપાલિકા દ્વારા આઈસીસીસી (ICCC) કેન્દ્ર પરથી સ્થિતિનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મેયર, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહીને રિયલ-ટાઇમ નિરીક્ષણ કરી રહ્યા છે અને રાહત-બચાવ કામગીરીનું સીધું સંચાલન કરી રહ્યા છે.
Gujarat Heavy rain Amit shah
અમિત શાહની CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી હતી અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં સર્જાયેલી વરસાદી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે કેન્દ્ર તરફથી તમામ સંભવિત મદદની ખાતરી આપી છે અને જરૂર પડ્યે એરફોર્સ તથા કોસ્ટગાર્ડને પણ તૈયાર રહેવા સૂચના આપી છે.
CM એક્શનમાં: ઉચ્ચસ્તરીય બેઠક યોજી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. તેમણે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓની સ્થિતિ અને ચાલુ રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સંપૂર્ણપણે એલર્ટ રહેવા અને પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક મદદ પહોંચાડવા કડક સૂચના આપી છે.
મુસાફરો મુશ્કેલીમાં: 200 ST ટ્રીપ અને 7 મુખ્ય ટ્રેનો રદ
ભારે વરસાદને કારણે રાજ્યમાં પરિવહન વ્યવસ્થા પર પણ મોટી અસર પડી છે. સુરક્ષાના કારણોસર એસટી નિગમ દ્વારા 200થી વધુ ટ્રીપ બંધ કરવામાં આવી છે. રેલવે વ્યવહારને પણ ભારે અસર પહોંચી છે. અમદાવાદ-મુંબઈ રૂટની 7 મુખ્ય ટ્રેનો રદ કરવામાં આવી છે, જેના કારણે નવસારી, સુરત, અને વાપી જેવા મહત્વના સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. નવસારીમાંથી રોજબરોજ સુરત અને વાપી તરફ નોકરી અને ધંધા અર્થે જતા 50 હજારથી વધુ પાસ હોલ્ડરો રેલવે સેવા ખોરવાવાને કારણે અટવાઈ પડ્યા છે.
NDRFની ટીમો તૈનાત, હવામાન વિભાગની ચેતવણી
ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે સુરતમાં NDRFની 3 અને વલસાડમાં 2 ટીમો તૈનાત છે, અને વલસાડમાં વધારાની 1 ટીમ મોકલવામાં આવી રહી છે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં પણ NDRFની ટીમો સ્ટેન્ડબાય પર છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં રેડ એલર્ટ, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આગામી 24 કલાક પણ રાજ્ય માટે મહત્ત્વના બની રહેશે.