ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રશ્નોતરીકાળ દરમિયાન અદાણી પાવર.લિ પાસેથી વીજળી ખરીદવાનો પ્રશ્ન કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પ્રશ્ન કર્યો હતો કે, અદાણી પાવર.લિ પાસેથી 6 ફેબ્રુઆરી 2007 તથા 2 ફેબ્રુઆરી 2007ના રોજ બીડ-1 અને બીડ-2 અંતર્ગત 25 વર્ષ માટે વીજ ખરીદી એગ્રીમેન્ટ થયા છે તે હકીકત સાચી છે. જો આ હકીકત સાચી હોય તો બીડ-1 અને બીડ-2 અંતર્ગત કયા દરે અદાણી પાવર લિ. પાસેથી વીજળી ખરીદીના એગ્રીમેન્ટ થયા છે. આ કરારો બાદ 31 ડિસેમ્બર 2021ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં માસવાર કેટલી વીજળી ખરીદવામાં આવી?. જેના જવાબમાં સરકારે આપેલી વિગતોમાં ખુલાસો થયો છે કે, બે વર્ષમાં સરકારે અદાણી પાવર પાસેથી 12,534 મિલિયન યુનિટ્સ વીજળી ખરીદી છે. જેના માટે કુલ 4771 કરોડ ચૂકવ્યા છે.તેમજ પ્રશ્નોતરીકાળમાં સરકારે સ્વીકાર્યું છે કે, રાજ્યમાં 82,984 કૃષિ વિષયક વીજ જોડાણ મેળવવા માટેની અરજીઓ પડતર છે.કોંગ્રેસના ધારાસભ્યના જવાબમાં સરકારે વર્ષ 2020 અને વર્ષ 2021માં ગુજરાત સરકારે મહિનાવાર ખરીદેલી વીજળીની માહિતી આપી હતી. 2020માં દર મહિને ખરીદેલા યુનિટ્સ, ફિક્સ કોસ્ટ, પ્રતિ યુનિટ દર અને કુલ કેટલા રૂપિયાની વીજળી ખરીદી તેની વિગતો જાહેર કરી છે. જેમાં વર્ષ 2020માં 6983 મિલિયન યુનિટ્સ વીજળી ખરીદી છે. જેના માટે કુલ રૂ.2376 કરોડનો ખર્ચ કર્યો છે. જ્યારે વર્ષ 2021માં 5551 મિલિયન યુનિટ્સ વીજળી ખરીદી છે. જેના માટે કુલ રૂ.2395 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં વીજળીના દરમાં થયેલો ભાવ વધારો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. વર્ષ 2021માં વર્ષ 2020 કરતા 1432 મિલિયન યુનિટ્સની ઓછી ખરીદી કરી છે. તેની સામે 19 કરોડ વધુ ચૂકવ્યા છે.તેની સાથે સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ કૃષિ વીજ જોડાણ અંગે પણ સવાલો કર્યા હતા. જેમાં સરકારે આપેલા જવાબમાં જણાવ્યું કે, રાજ્યમાં 82,984 કૃષિ વિષયક વીજ જોડાણ મેળવવા માટેની અરજીઓ પડતર છે, સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં 10,913 અરજીઓ પડતર છે. જ્યારે એક વર્ષ કરતાં વધુ સમયથી 14,698 અરજીઓ પડતર છે.