કોંગ્રેસના તાલુકા-જિલ્લા પ્રમુખોની એક બેઠક પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં તેમણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 182ના લક્ષ્યાંક સામે કોંગ્રેસનું 125ના લક્ષ્યાંકનો હુંકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, જે બેઠક નબળી છે તે બેઠક પર પહેલાથી જ ઉમેદવારો પસંદ કરાશે. બેઠકમાં સંગઠનથી લઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેમ પરાજય થયો જેવી અનેક બાબતોની ચર્ચા થઇ હતી.
ભાજપ વિધાનસભાની કુલ 182 બેઠકમાંથી 182 બેઠક પર વિજય મેળવી કોંગ્રેસનો સફાયો કરવો તેવો દાવો કરે છે ત્યારે કોંગ્રેસે 125 બેઠક પર વિજય મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. બેઠકમાં તમામ પાસાંની ચર્ચા કરી હતી. આ વખતે બેઠકમાં થોડો ફેરફાર કરીને તાલુકા અને જિલ્લા પ્રમુખોની સ્થાનિક પ્રશ્નો, સમસ્યા અને સંગઠનની તકલીફ બાબતે બોલવા દેવામાં આવ્યા હતા. અગાઉની બેઠકમાં સીધું નેતાઓ જ ભાષણ કરતા હતા, તેમાં થોડો ફેરફાર કરીને પ્રમુખોને સાંભળ્યા પછી શું કરવું તે બાબતે વિચારણા કરાતી હતી. નબળી બેઠકોને શોધી ત્યાં અગાઉથી જ ઉમેદવાર નક્કી કરીને મહેનત કરવાનું નક્કી કરાયું હતું. ઉપરાંત વિવિધ સ્તરે કોંગ્રેસની કનેક્ટિવિટી વધે તે માટે તમામ પ્રકારનો સંગઠનો સાથે વાટાઘાટો કરવાનું નક્કી કરાયું હતું. દરેકને તેમની ક્ષમતા પ્રમાણે હોદ્દા અપાશે.