Publish Date: Sat, 30 May 2026 (10:18 IST)
Updated Date: Sat, 30 May 2026 (10:22 IST)
Amit Shah Visit Bhuj Border
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે આજે ભુજ ખાતે ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા G-7 બોર્ડર આઉટ પોસ્ટની મુલાકાત લઈને BSF જવાનો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે G-7 અને G-13 બોર્ડર આઉટ પોસ્ટનું લોકાર્પણ પણ કર્યું હતું. ગૃહમંત્રીએ કંટ્રોલરૂમનું નિરીક્ષણ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને ત્યારબાદ BSF જવાનો સાથે ભોજન લીધું હતું. આ સાથે જ ગુજરાતના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારની બોટ મારફતે મુલાકાત લઈને તેમણે સુરક્ષા વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
BSF જવાનોની વીરતા અને પરાક્રમને ગૃહમંત્રીની સલામ
પોતાના સંબોધનમાં અમિત શાહે BSF જવાનોના પરાક્રમ અને કઠિન પરિસ્થિતિઓમાં દેશની સુરક્ષા માટે કરવામાં આવતા યોગદાનની મુક્તમને પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે BSFના જવાનો અત્યંત વિષમ ભૌગોલિક અને આબોહવાની પરિસ્થિતિમાં, -45 ડિગ્રીથી લઈને +45 ડિગ્રી સુધીના તાપમાનમાં પણ અડગ રહીને ફરજ બજાવે છે. કચ્છના દુર્ગમ રણ, સિર ક્રિક, હરામીનાળાની દલદલી જમીન, રાજસ્થાનના રેતીલા વિસ્તારો તેમજ કાશ્મીરની બરફીલી સરહદો પર BSFના જવાનો સતત સતર્ક રહી દેશની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે BSFએ છેલ્લા 60 વર્ષમાં દેશની બે સૌથી કઠિન સરહદોની સુરક્ષા સફળતાપૂર્વક સંભાળી છે અને 2000 થી વધુ જવાનોએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.
બોર્ડર સિક્યોરિટી માટે નવું “ટેરિટોરિયલ સુરક્ષા” મોડલ
ગૃહમંત્રીએ સરહદ સુરક્ષા માટે સરકાર દ્વારા અપનાવવામાં આવી રહેલા નવા “ટેરિટોરિયલ સુરક્ષા” મોડલ અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સરકાર હવે એક મજબૂત 'ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ' તૈયાર કરી રહી છે, જેમાં સામાન્ય જનતા, સિવિલ પ્રશાસન, સ્થાનિક પોલીસ, મિલિટ્રી અને BSFની સંયુક્ત જવાબદારી રહેશે. આ ઉપરાંત, 'સ્માર્ટ બોર્ડર સિક્યોરિટી પ્રોજેક્ટ' અંતર્ગત ડ્રોન, રડાર, હાઈટેક વોચ ટાવર અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરહદોની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને લોખંડી બનાવવામાં આવશે.
બોર્ડર ફેન્સિંગનું કામ ઝડપથી પૂર્ણ કરી ઘૂસણખોરી રોકાશે
અમિત શાહે પશ્ચિમ બંગાળમાં નવી સરકાર બન્યા બાદ બોર્ડર ફેન્સિંગ (સરહદ પર તારની વાડ) માટે જમીન ઉપલબ્ધ કરાવવાના નિર્ણયનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે લાંબા સમયથી અધૂરી રહેલી બોર્ડર ફેન્સિંગની સમસ્યાનું હવે ઝડપી નિરાકરણ આવશે, જેનાથી સીમાપારથી થતી ઘૂસણખોરીને રોકવામાં મોટી સફળતા મળશે. વળી, જંગલ અને નદી-નાળાઓ જેવા દુર્ગમ વિસ્તારોમાંથી થતી ઘૂસણખોરી અટકાવવા માટે પણ ટેકનિકલ ફેન્સિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ગૃહમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સમયમાં BSF વધુ મજબૂત ટેકનોલોજી અને સુરક્ષા ગ્રીડ સાથે દેશની સરહદોને સંપૂર્ણ સુરક્ષિત બનાવશે.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે....
વધુ વાંચો