જામનગર જિલ્લામાં હાલ અતિભારે વરસાદના કારણે અનેક માર્ગ અને પુલોનું ધોવાણ થયું છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા દરેક બ્લોક થયેલ રસ્તા અને પુલોને આપાતકાલીન રીપેરીંગ કરી આવાગમન માટે પૂર્વવત કરવાની કામગીરી તાકીદે હાથ ધરાઇ છે.
હાલ જાંબુડા પાટીયા-અલીયાબાડા-વિજરખી રોડ કે જે બે સ્ટેટ હાઇવે રાજકોટ-જામનગર અને કાલાવડને જોડતો રોડ છે. તેમાં અલિયાબાડા ગામ પાસેના રૂપારેલ બ્રિજ પરથી પાણીના ભારે વહેણના કારણે બ્રીજ અને રસ્તાનું ધોવાણ થઇ ગયું હતું. જેથી અલિયા અને બાડા ગામ બંને વિખૂટા પડી ગયેલ હતા, સાથે જ પંચાયતના ગ્રામ વિસ્તારના રોડ પર પણ પાણી ફરી વળતા રસ્તો બંધ થયેલ હતો. જે રસ્તાને આવાગમન માટે પુનઃ ચાલુ કરવા તાત્કાલિક ધોરણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી.
એન્જિનિયર, માર્ગ અને મકાન વિભાગ જામનગરએ જણાવ્યું હતું કે હાલ માત્ર ૧૨ કલાકમાં જ આપાતકાલીન રીપેરીંગ થકી માટીકામ કરી રસ્તાને આવાગમન માટે પુન: ચાલુ કરી દેવામાં આવ્યો છે, સાથે જ કાયમી રીપેરીંગ કરવા માટે કોંક્રિટના હેડવોલ, વેરિંગ કોટ, ક્રેસ બેરિયર માટે દરખાસ્ત પણ મૂકી દેવાઇ છે. વહેલી તકે આ કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે.