Publish Date: Tue, 28 Jul 2026 (13:34 IST)
Updated Date: Tue, 28 Jul 2026 (13:57 IST)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આર્થિક રીતે નબળા વર્ગ (EWS) અને લો ઇન્કમ ગ્રુપ (LIG) આવાસ યોજનાના મકાનો ગેરકાયદેસર રીતે ભાડે આપવાની વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર, ફાળવણી બાદના પ્રથમ સાત વર્ષ દરમિયાન મકાન ભાડે આપવાનું પકડાશે તો સંબંધિત મકાનને 90 દિવસ માટે સીલ કરવામાં આવશે અને ઓછામાં ઓછો રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવશે.
બેઠકમાં આ નિર્ણય મંજૂર કર્યો
AMC હાઉસિંગ કમિટીએ 27 જુલાઈએ યોજાયેલી બેઠકમાં આ નિર્ણય મંજૂર કર્યો હતો. નવા નિયમો મુજબ, જો 90 દિવસ બાદ ફરીથી તે જ મકાન ભાડે આપેલું મળી આવશે તો માલિક પાસેથી રૂ.1 લાખનો દંડ વસૂલ કરવામાં આવશે. જ્યારે ત્રીજી વખત નિયમભંગ સામે આવશે ત્યારે સીટી સિવિલ કોર્ટમાં કાર્યવાહી કરીને મકાનના ફાળવણી દસ્તાવેજો રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
હાઉસિંગ કમિટીના ચેરમેન દર્શન શાહે જણાવ્યું હતું કે EWS અને LIG આવાસો ખાસ કરીને જરૂરિયાતમંદ પરિવારો માટે કોર્પોરેશન દ્વારા ડ્રો પદ્ધતિથી ફાળવવામાં આવે છે. નિયમો અનુસાર લાભાર્થીએ સાત વર્ષ સુધી પોતે જ મકાનમાં રહેવું જરૂરી છે. તેમ છતાં કેટલાક લાભાર્થીઓ મકાનો ભાડે આપતા હોવાથી વાસ્તવિક લાભાર્થીઓને બદલે અન્ય લોકો આ આવાસોમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિને રોકવા માટે કડક દંડાત્મક પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવી
AMC દ્વારા ગેરકાયદે કબજાઓ સામે પણ કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી છે. 13 જુલાઈ, 2026ના રોજ AMCના ઇતિહાસમાં પ્રથમ વખત કોર્પોરેશન દ્વારા ફાળવાયેલા આવાસોમાં ગેરકાયદેસર કબજો કરનાર વ્યક્તિ સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવી હતી. કોર્પોરેશનનું માનવું છે કે આવા પગલાંથી આવાસ યોજનાઓમાં ગેરરીતિઓ પર નિયંત્રણ આવશે.
10 હજારથી વધુ નવા આવાસો વિકસાવવાની યોજના જાહેર
ઉલ્લેખનીય છે કે AMCએ ઓક્ટોબર 2025માં શહેરના જરૂરિયાતમંદ નાગરિકો માટે 10 હજારથી વધુ નવા આવાસો વિકસાવવાની યોજના જાહેર કરી હતી. યોજના હેઠળ EWS શ્રેણીના મકાનો આશરે રૂ. 7 લાખમાં અને LIG શ્રેણીના 2BHK મકાનો અંદાજે રૂ.28થી રૂ.30 લાખની કિંમતમાં ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ શહેરના જૂના અને જર્જરિત રહેણાંક વિસ્તારોમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.