અમદાવાદ શહેરમાં મંદિરોમાં ભગવાનના માથે રાખવામાં આવેલા છત્રની ચોરી થવાન ઘટનાઓ પ્રકાશમાં આવતી હતી. આવી ઘટનાઓને કારણે લોકોમાં રોષ ફેલાયો હતો અને પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા હતાં. ત્યારે મંદિરોમાં ચોરી કરતો એક શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને વધુ સાત ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. બોડકદેવ પોલીસે આરોપીની ધરપકડ કરીને એક લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મંદિરમાં દર્શન કરવાના બહાને છત્રની ચોરી કરતો હતો
અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે થલતેજના મેલડી માતાજીના મંદિરમાંથી છત્રની ચોરી થઈ હતી. આ ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જેની તપાસ કરતાં પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતાં. સીસીટીવીમાં એક યુવક મંદિરમાં આવીને દર્શન કરીને આસપાસ કોઈ ના હોય ત્યારે તકનો લાભ લઈને ભગવાનના માથે રાખવામાં આવેલા છત્રની ચોરી કરતો હતો. પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે બાગબાન ચાર રસ્તા પાસેથી જીગર દેસાઈ નામના આરોપીની ધરપકડ કરી હતી.
અલગ અલગ 7 ચોરીના ભેદ ઉકેલાયા
આરોપી પાસેથી પોલીસે 3 છત્ર કબજે કર્યા હતાં.તે ઉપરાંત આરોપીની પુછપરછ કરતાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, તે મોજશોખ માટે ચોરી કરતો હતો. તેણે થલતેજ, સાતેજ, મહેસાણા, સોલા, કડી સહિતના અલગ અલગ 7 મંદિરોમાંથી અનેક છત્ર ચોરી કરી છે. તે આ ચોરીનો માલ કડીના હીરા માણેક ચેમ્બરના સોનાના વેપારી કેતન સોનીને વેચી દેતો હતો. પોલીસે ચોરીના માલ સાથે કેતન સોનીની પણ ધરપકડ કરી છે.કેતન સોની પાસેથી કુલ 40 અને જીગર પાસેથી 3 એમ કુલ 43 ચોરીની છત્ર પોલીસે કબ્જે કર્યા છે.બંને આરોપીઓની ધરપકડથી અમદાવાદ,ગાંધીનગર અને મહેસાણાના અલગ અલગ 7 ચોરીના ભેદ ઉકેલાયા છે.