અમદાવાદમાં શુક્રવારે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સની IPLની મેચ રમાવાની છે. આ મેચની ટીકિટો હાલમાં બ્લેકમાં વેચાઈ રહી છે. ત્યારે પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવીને ટિકીટોનું કાળા બજાર કરતાં એક શખ્સને પકડીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં સાબરમતિ ખાતે પોલીસ પેટ્રોલિંગ કરતી હતી તે વખતે બાતમીદારે એક શખ્સ બ્લેકમાં મેચની ટીકિટ વેચી રહ્યો હોવાની બાતમી મળી હતી.
પોલીસે બાતમીને આધારે તપાસ કરતાં વર્ણન પ્રમાણેનો શખ્સ ત્યાં ઉભો હતો. પોલીસે મોદી સ્ટેડિયમના ગેટ નંબર એક પાસે આ શખ્સને કોર્ડન કરીને પુછતાં તેણે તેનું નામ કિશન મેઘવાલ બતાવેલું. પોલીસને તેની પાસેથી ચાર ટીકિટો મળી આવી હતી.પોલીસને મળેલી ટીકિટો પર ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સનું નામ લખેલું હતું. તેમજ તેની પર ટીકિટનો દર 800 રૂપિયા લખ્યો હતો. પોલીસે આ શખ્સની અંગજડતી લેતાં તેની પાસેથી વધુ કોઈ વસ્તુ મળી આવી નહોતી. આ શખ્સ 800ની ટીકિટ 1600માં વેચી રહ્યો હતો.