સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. લોકોને વ્યાજખોરો સામે જાગૃત કરવા અને લોકોને સુરક્ષિત કરવા હવે પોલીસ પણ મેદાનમાં ઉતરી ગઈ છે. અનેક વ્યાજખોરો સામે પઠાણી ઉઘરાણી તેમજ વધુ વ્યાજ ઉઘરાવવાની ફરિયાદો પોલીસને મળી છે. ત્યારે પોલીસે પણ આકરા પગલાં ભરીને વ્યાજખોરો સામે એક્શન લેવા માંડ્યાં છે.
બીજી તરફ અમદાવાદમાં એક મહિલા વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે. આ મહિલાએ 1 લાખ 35 હજારની રકમ સામે 2 લાખ 42 હજાર મેળવી લીધા પછી પણ મુદ્દલ અને વ્યાજ માંગીને ફોન પર ગાળો બોલીને ધમકી આપી હતી.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા યુવકે તેના પિતાના ધંધામાંથી છુટા થઈને નોકરી શરૂ કરી હતી. આ દરમિયાન તેને પૈસાની જરૂર પડતાં એક કિટલી વાળા પાસેથી તેને એક મહિલાનો નંબર મળ્યો હતો. આ મહિલા પાસેથી તેણે શરૂઆતમાં 30 હજાર 11 ટકાના વ્યાજે લીધા હતાં. આ સમય દરમિયાન યુવકના મિત્રએ પણ મહિલા પાસેથી પૈસા લીધા હતાં. ત્યાર બાદ યુવકને વધુ પૈસાની જરૂર હોવાથી તેણે એક લાખ પાંચ હજાર રૂપિયા 12 ટકાના દરે વ્યાજે લીધા હતાં. તેણે ટુકટે ટુકરે કરીને આ એક લાખ 35 હજારના 1 લાખ 42 હજાર ચૂકવી દીધા હતાં. આ પૈસા લેતાં તેણે બેંકના ચેક આપ્યા હતાં. આ મહિલાએ અવારનવાર ફોન પર ગાળો બોલીને મુડી અને વ્યાજની માંગણી કરી હતી. વ્યાજ આપવામાં એક દિવસ પણ મોડુ થાય તો ફોન પર ગાળો બોલીને ઉઘરાણી કરતી હતી. આ મહિલાએ કોરા ચેક પર પાંચ લાખની રકમ ભરીને બેંકમાંથી ચેક બાઉન્સ કરાવ્યો હતો. આમ કરતાં તેણે ફોન કરતાં તેણે ફોન પર બિભત્સ ગાળો બોલી હતી અને વ્યાજ અને મુડી નહીં આપે તો તને છોડીશ નહીં તેવી ધમકી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે મહિલા વ્યાજખોર સામે વધુ તપાસ હાથ ધરી છે.