Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

41 વર્ષના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આયર્નમેન ટ્રાઇથલોન પૂરી કરનારા પ્રથમ અમદાવાદી મહિલા બન્યા

The 41-year-old chartered accountant became the first Ahmedabadi woman to complete the Ironman Triathlon
, મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (13:09 IST)
આપણી કહેવત છે કે મન હોય તો માળવે જવાય. આ કહેવતને ચરિતાર્થ કરી છે, 41 વર્ષના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઑપ્ટિમાઇઝ્ડ સોલ્યુશન્સ લિમિટેડના સહ-સ્થાપક પૂર્વી શાહે. ફક્ત પોતાના પરિવારને જ નહીં પરંતુ સમગ્ર અમદાવાદ શહેરને ગર્વ અપાવનારા પૂર્વી શાહ અત્યંત આકરી આયર્નમેન ટ્રાઇથલોન પૂરી કરનારા અમદાવાદના પ્રથમ મહિલા બની ગયાં છે. તેમણે હાલમાં જ મેક્સિકોના રમણીય ટાપુ કોઝુમેલ ખાતે આયોજિત આ ટ્રાઇથલોનમાં ભાગ લીધો હતો અને તેને સફળતાપૂર્વક પૂરી કરી હતી. તેઓ નવેમ્બરના અંતમાં આ સિદ્ધિ હાંસલ કરનારા કુલ ચાર ભારતીયોમાંથી એક છે.
The 41-year-old chartered accountant became the first Ahmedabadi woman to complete the Ironman Triathlon
ટેકનોલોજી સ્ટાર્ટ-અપ ચલાવનારા પૂર્વી શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ફાઇનાન્સમાં એમબીએ થયેલા છે અને બે બાળકોના માતા છે. કિશોરાવસ્થાથી જ પૂર્વીને સ્વિમિંગ અને જુડો રમવાનું ખૂબ ગમતું હતું. ભણવામાં હોંશિયાર હોવાની સાથે તેમણે આ બંને રમતમાં પોતાની શાળાનું રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્ત્વ કર્યું હતું. જોકે, ધોરણ 10ની બૉર્ડની પરીક્ષા આપ્યાં પછીથી તેમનું ધ્યાન સંપૂર્ણપણે કારકિર્દી અને આજીવિકા પર કેન્દ્રીત થઈ ગયું હતું અને રમતગમત પ્રત્યેનો તેમનો રસ જાણે કે કોરાણે મૂકાઈ ગયો હતો.
 
પરંતુ જ્યારે તેમણે વર્ષ 2015માં પિંકેથોન મેરેથોન માટે તૈયાર કરી અને તેમાં ભાગ લીધો ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમનો સ્ટેમિના કેટલો ઘટી ગયો છે. પોતાની સહનશક્તિના સ્તરને સુધારવા માટે ડિસ્ટન્સ રનિંગથી માંડીને લોંગ-ડિસ્ટન્સ સાઇક્લિંગ સુધી બધું જ અજમાવી ચૂકેલા પૂર્વી શાહે જણાવ્યું કે, ‘બસ ત્યારથી મેં પોતાના માટે ફરીથી તૈયારી કરવાનું શરૂ કર્યું. શરૂઆત કરવા માટે મેં જાન્યુઆરી 2016માં યોજાયેલી હાફ-મેરેથોન પર ધ્યાન કેન્દ્રીત કર્યું અને તેના માટે તાલીમ લીધી.’ 
 
પૂર્વી શાહે આયર્નમેન ચેમ્પિયનશિપને પૂરી કરનારા ગુજરાતના પુરુષ ટ્રાઇથલેટ્સમાંથી પ્રેરણા લીધી અને પાછળથી તેના માટે તૈયારી કરવાનો નિર્ણય કર્યો. તેમણે બાઇસાઇક્લિંગ, રનિંગ અને સ્વિમિંગની આકરી તાલીમ લીધી તથા અઠવાડિયાના 16 કલાક અને ક્યારેક તો તેનાથી પણ વધારે કલાકો માટે પ્રેક્ટિસ કરી અને તાલીમ લીધી.
 
ટ્રાઇથલોન માટે આકરી તાલીમ લીધાં બાદ પૂર્વી શાહે આખરે નિર્ણાયક ડગ ભર્યું. પોતાનો અનુભવ વર્ણવતા પૂર્વી શાહે જણાવ્યું કે, ‘મેં આયર્નમેન ટ્રાઇથલોન 14:40 કલાકમાં પૂરી કરી હતી. દરેક સહભાગી એકબીજાને મદદ કરી રહ્યાં હોવાથી ત્યાં તો જાણે પાર્ટીનો માહોલ હતો. પાસે ઉભેલા કોઝુમેલના અસંખ્ય સ્થાનિકોની સાથે-સાથે મારા માટે જયજયકાર કરનારા મારા પરિવાર - પતિ અને બાળકોને જોવાનો લ્હાવો ખરેખર અનેરો હતો.’
 
આગળ જતાં 41 વર્ષીય ઉદ્યોગસાહસિક પૂર્વી શાહનો ઉદ્દેશ્ય મહિલા વ્યાવસાયિકોની સ્થિતિને બદલવાનો છે, જેમણે પોતાની કારકિર્દીમાં નામના મેળવી છે અને પોતાના કામ અને કૌટુંબિક જીવનની વચ્ચે ખૂબ સારી રીતે સંતુલન સાધી રહી છે પરંતુ પોતાના માટે સમય કાઢી શકતી નથી. તેમણે જણાવ્યું હતું કે, ‘હું જ્યારે સીએની વિવિધ કૉન્ફરન્સમાં ભાગ લઉં છું ત્યારે મને ઘણીવાર એવી સ્ત્રીઓનો ભેટો થાય છે, જેમણે પોતાની ખરેખર સારી પ્રગતિ સાધી છે, વ્યક્તિગત અને વ્યાવસાયિક એમ બંને મોરચે, પરંતુ તેઓ ભાગ્યે જ પોતાના માટે સમય ફાળવી શકતી હોય છે. હું આ સ્થિતિને બદલવા માંગું છું. સ્ત્રીઓએ ક્યારેય તેમના સપનાને છોડી દેવા જોઇએ નહીં.’ પૂર્વી શાહ આગામી દિવસોમાં સ્ત્રીઓના આરોગ્ય અને પોષણની સ્થિતિને સુધારવામાં મદદરૂપ થવા માંગે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

8 વિદ્યાર્થીઓના ધર્માતંરાથી ભડ્ક્યા, MP ના મિશનરી સ્કૂલના હિંદુ સંગઠનએ કરી તોડફોડ