મુખ્યમંત્રી રૂપાણીએ અમેરલી જિલ્લાના આંબરડીમાં લાયન સફારી પાર્કનું લોકાર્પણ કરતાં વિશ્વાસ વ્યકત કર્યો કે, સિંહ દર્શન માટે આવતા પ્રવાસન પ્રેમીઓને હવે સાસણ ઉપરાંત વધુ એક સફારી પાર્કમાં સિંહ દર્શનની તક મળતી થશે. રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત સરકારે અગાઉ વારંવાર ગીર પૂર્વ વિસ્તારના રક્ષિત વનમાં ઇકો ટૂરિઝમ અને સફારી પાર્ક વિકસાવવાની કરેલી માંગણીઓ તત્કાલીન યુ.પી.એ. સરકારે ધ્યાને લીધી જ નહિ, તેમને ગુજરાતના કોઇ પણ ક્ષેત્રના વિકાસમાં રોડાં નાખવાની પરેવીથી જ આ પાર્કને પણ ઘોંચમાં નાંખી દીધો હતો.
તેમણે કહ્યું કે, ગુજરાતના અને દેશની જનતાના સદનસીબે વડાપ્રધાન મોદીએ સુકાન સંભાળતા જ ગુજરાતના આ પ્રશ્નનો સુખદ ઉકેલ આવી ગયો છે. તેમણે ઉમેર્યુ કે, ગત પાંચમી જૂન ર૦૧૭એ આ આંબરડી સફારી પાર્કને કેન્દ્ર સરકારની પરવાનગી મળી અને રાજ્યના વન વિભાગે ખૂબ જ ટૂંકા સમયમાં આ પાર્ક વિકસાવી તેનું લોકાર્પણ કરાયું તે અભિનંદનને પાત્ર છે.આ સફારી પાર્ક સમગ્ર અમરેલી જિલ્લા માટે આર્થિક ઉત્કર્ષ અને સમૃદ્ધિનું દ્વાર બની રહેશે અને લોકો હવે સાસણને બદલે આંબરડી સફારી પાર્કની મુલાકાત લેતા થશે અને દેશ-વિદેશના પર્યટકો આવતા થશે જેના થકી ધારી પ્રવાસનનું હબ બની જશે.અમરેલી જિલ્લામાં આજે અનેકવિધ વિકાસકામો થઇ રહ્યા છે. આ કામો લોકોની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખી વિકાસકામો કરવામાં આવી રહ્યા છે. આને જ સાચો વિકાસ કહેવાય આ વિકાસ અમારા માટે મિજાજ છે અને ગુજરાતની વિકાસયાત્રાને હવે કદાપિ કોઇપણ રોકી શકે તેમ નથી, કારણ કે આ માટે સરકાર સંકલ્પબદ્ધ રીતે આગળ વધી રહી છે.