Webdunia - Bharat's app for daily news and videos

Install App

6 ડિસેમ્બર : જ્યારે બાબરી ધ્વંસના એક દિવસ પહેલાં 'રિહર્સલ' થયું

Webdunia
સોમવાર, 6 ડિસેમ્બર 2021 (10:50 IST)
ઉત્તર પ્રદેશના અયોધ્યામાંની બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તેને 27 વર્ષ પૂર્ણ થયાં. બાબરી મસ્જિદ અને રામમંદિર મામલો ચૂંટણીના માહોલમાં ચર્ચાનો વિષય બનલો છે. આ વિવાદિત ઘટના વિશે ઘટનાના સાક્ષી બનેલા પત્રકાર વર્ણવી રહ્યા છે એ દિવસની વાત.
 
ઉત્તર પ્રદેશના અયોધ્યાસ્થિત સોળમી સદીની બાબરી મસ્જિદ હિન્દુઓના ટોળાએ 1992ની છઠ્ઠી ડિસેમ્બરે તોડી પાડી હતી. એ પછી થયેલાં રમખાણોમાં અંદાજે 2,000 લોકોનાં મોત થયાં હતાં.
 
એ ઘટનાના એક દિવસ પહેલાં બાબરી મસ્જિદ તોડી પાડવાનું 'રિહર્સલ' હિંદુ સ્વયંસેવકોના એક જૂથે કર્યું હતું. ફોટોગ્રાફર પ્રવીણ જૈન એ ઘટનાના સાક્ષી બનવા હિંદુ જૂથ સાથે જોડાયા હતા.
 
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના ઍસોસિયેટ ફોટો એડિટર પ્રવીણ જૈને બીબીસીનાં અનસુયા બસુ સાથે વાત કરી હતી.
 
પ્રવીણ જૈને દિવસે ક્લિક કરેલા ફોટોગ્રાફ્સ અને એ દિવસે બનેલી ઘટનાની વાતો અહીં પ્રસ્તુત છે :
 
હું ચોથી ડિસેમ્બર, 1992ની એક ધૂંધળી સાંજે અયોધ્યા ગયો હતો.
 
બાબરી મસ્જિદ ખાતે એકઠા થનારા કારસેવકો અને હિંદુ ઉદ્દામવાદી નેતાઓના ફોટોગ્રાફ્સ લેવાની કામગીરી મને 'ધ પાયોનિયર' અખબારે સોંપી હતી. એ માટે હું અયોધ્યા ગયો હતો.
 
હિંદુ રાષ્ટ્રવાદના પ્રખર પુરસ્કર્તા સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના હજારો કાર્યકરો ત્યાં એકઠા થયા હતા.
આરએસએસ હાલ દેશ પર શાસન કરતા ભારતીય જનતા પક્ષ સહિતના હિંદુ જૂથોનું વૈચારિક ઉદ્ગમસ્થાન છે.
 
અયોધ્યાના એ સ્થળને આરએસએસ ભગવાન રામનું જન્મસ્થાન ગણે છે અને ત્યાં એક મંદિરના નિર્માણનો પ્રારંભ કરવાની યોજના તેમણે બનાવી હતી.
 
મસ્જિદને હાથ સુદ્ધાં નહીં અડાડવાનું અને કાર્યક્રમ મંદિર નિર્માણનાં શીલારોપણ પૂરતો મર્યાદિત રાખવાનું વચન તેમણે આપ્યું હતું.
 
કોશ, તીકમ, પાવડાઓ, હથોડાઓ અને લોખંડના સળિયાઓથી સજ્જ પુરુષો 
હું ભાજપના એક સંસદસભ્યના સંપર્કમાં હતો. તેમણે મને જણાવ્યું હતું કે પાંચમી ડિસેમ્બરની સવારે બાબરી મસ્જિદને તોડી પાડવાનું રિહર્સલ યોજવામાં આવશે.
 
તેમણે મને એમ પણ કહ્યું હતું કે મીડિયા એ રિહર્સલનું સાક્ષી બને તે સુનિશ્ચિત કરવાનો આદેશ તેમને ટોચના નેતાઓએ આપ્યો છે. તમે મારા મિત્ર હોવાથી આ માહિતી તમને આપી રહ્યો છું.
 
હું કારસેવકના વેશમાં હતો. મારા માથા પર કેસરિયો સ્કાર્ફ બાંધ્યો હતો તથા મારા જેકેટ પર સ્પેશ્યલ એન્ટ્રી બેજ લગાવવામાં આવ્યો હતો.
 
મસ્જિદથી થોડે દૂર આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડના કદના મેદાનમાં યોજાયેલી એક મીટિંગમાં મને લઈ જવામાં આવ્યો હતો.
 
માથા પર કેસરિયા સ્કાર્ફ અને પટ્ટીઓ પહેરેલા હજ્જારો કરસેવકો ત્યાં એકઠા થયા હતા. સમગ્ર વિસ્તારને કરસેવકોએ જ કોર્ડન કર્યો હતો.
 
એક પદાધિકારીએ મને કહ્યું હતું, તમે રિહર્સલના ફોટોગ્રાફ્સ અહીં જ ઝડપી શકશો. તમે મારી પાસે જ રહેજો અને કરસેવકોની માફક સુત્રોચ્ચાર કરજો. તેમની સાથે ભળી જજો. એ રીતે તમે સલામત રહી શકશો.
 
માટીના મોટા ઢગલાને ગબડાવવાનો પ્રયાસ કરતા લોકો ખડતલ બાંધો ધરાવતો એક પુરુષ અચાનક મારી સામે આવી ગયો હતો અને તેણે મને કેમેરા હટાવી લેવા જણાવ્યું હતું.
 
મેં મારા બેજ ભણી ઈશારો કર્યો હતો અને દરેકની માફક જોરથી સુત્રોચ્ચાર કર્યો હતો. પછી એ પુરુષે મને થોડે દૂર ઊભેલા લોકોનાં એક મોટા ટોળા પાસે જવા જણાવ્યું હતું.
 
ત્યાર બાદ મારી સમક્ષ આકાર લઈ રહેલી ઘટનાઓના ફોટોગ્રાફ્સ ઝડપવાનું મેં શરૂ કર્યું હતું. 
 
કોશ, તીકમ, પાવડાઓ, હથોડાઓ અને લોખંડના સળિયાઓથી સજ્જ પુરુષો માટીના મોટા ઢગલાને ગબડાવવાના પ્રયાસ કરતા હતા.
દરેક કામ ચોકસાઈપૂર્વક કરવામાં આવી રહ્યું હતું. તેઓ માત્ર સ્વયંસેવકો ન હતા પણ કોઈ ઈમારતને કઈ રીતે તોડી પાડવી એ જાણતા પ્રોફેશનલ્સ હતા.
 
બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટનાની તપાસ માટે સરકારે લિબરહાન પંચની નિમણૂંક કરી હતી.
 
વિવાદાસ્પદ સ્થળને તોડી પાડવાનું રિહર્સલ યોજવામાં આવ્યું હોવાનું પંચે તેના અહેવાલમાં નોંધ્યું હતું.
 
એ ઉપરાંત કારસેવકોને ડિમૉલિશનની તાલીમ આપવામાં આવ્યાનું દર્શાવતા સાંયોગિક પુરાવા મળ્યાનું પણ પંચે નોંધ્યું હતું.
 
દોરડા અને લોખંડની જાળી બાંધીને માટીના મોટા ઢગલાને ગબડાવવાનો પ્રયાસ કરતા લોકોને બરાડીને આદેશ આપી રહેલા એક પુરુષનો ફોટો મેં ખેંચ્યો હતો.
 
માટીના મોટા ઢગલાને ગબડાવવાનો પ્રયાસ કરતા લોકોને બરાડીને આદેશ આપી રહેલો પુરુષ
એ પુરુષે તેના ચહેરાને રૂમાલ વડે ઢાંક્યો હતો. એ એક જમણેરી પક્ષનો નેતા હતો. તેથી હું તેમની ઓળખ જાહેર કરવા ઈચ્છતો નથી.
 
ટોળાએ માટીના મોટા ઢગલાને જોરદાર સુત્રોચ્ચાર અને હર્ષનાદ વચ્ચે સફળતાપૂર્વક ગબડાવ્યો હતો.
 
હું મારા કેમેરાને જેકેટમાં છૂપાવીને સુત્રોચ્ચાર કરતાં ઘટનાસ્થળેથી સરકીને બહાર આવી ગયો હતો.
 
એ ઘટનાનો સાક્ષી બનેલો એકમાત્ર પત્રકાર હોવાનો અને ભાવિ પેઢી માટે તેના ફોટોગ્રાફ્સ ઝડપવાનો મને આનંદ હતો.
 
બીજા દિવસે હું અન્ય પત્રકારો સાથે મસ્જિદની સામેના ભાગમાં આવેલી એક ઈમારતના ચોથા માળે ગોઠવાઈ ગયો હતો.
 
મસ્જિદ સામે ઊભા કરવામાં આવેલા પ્લેટફોર્મ પર વિશ્વ હિંદુ પરિષદ(વીએચપી) અને બીજેપીના મહત્વના નેતાઓ કમસેકમ દોઢ લાખ સ્વયંસેવકોની રેલીને સંબોધી રહ્યા હતા.
 
મસ્જિદનું રક્ષણ કરી રહેલા પોલીસ કર્મચારીઓ પણ સુત્રોચ્ચાર કરતા હતા.
 
લાઠી ચલાવવાની તાલીમ લઈ રહેલા લોકો બપોર થવાના થોડા સમય પહેલાં જ ટોળું હિંસક બન્યું હતું અને તેમણે મસ્જિદનું રક્ષણ કરી રહેલા પોલીસ કર્મચારીઓ તથા સ્વયંસેવકો પર હુમલો કર્યો હતો.
 
એ પૈકીના કેટલાક લોકો ચોથા માળ પર ચડી ગયા હતા. તેમણે પત્રકારો પર પણ હુમલો કર્યો હતો અને ફોટોગ્રાફરોના કેમેરા તોડી નાખ્યા હતા.
 
મસ્જિદ તોડી પાડવાનું કામ થોડા મીટર દૂર ચાલી રહ્યું હતું. તેના ફોટોગ્રાફિક પુરાવાનો નાશ કરવાના પ્રયાસમાં તેમણે કેમેરા તોડી પાડ્યા હતા. ગણતરીના કલાકોમાં જ મસ્જિદને ધરાશયી કરી નાખવામાં આવી હતી. હું પૂરી તાકાતથી હોટેલ ભણી નાસી છૂટ્યો હતો.
 
રમખાણ શરૂ થઈ ચૂક્યું હતું. હું મદદ મેળવવા આજુબાજુ પોલીસ કર્મચારીઓને શોધતો હતો, પણ લોકો ટપોટપ દુકાનો બંધ કરતા હતા અને ઘરના બારી-દરવાજા બંધ કરતા હતા.
 
જે દિવસે મસ્જિદ તોડી પાડવામાં આવી એ દિવસે મેં હિંદુ હોવા બદલ શરમ અનુભવી હતી.
 
મેં લિબરહાન પંચ સમક્ષ જુબાની આપી હતી અને ડીમૉલિશનનો કેસ હાથ ધરી રહેલી સ્પેશ્યલ કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહેલા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન મને બોલાવતા રહે છે.
 
એ ઘટનાને આજે 27 વર્ષ થયાં. છતાં ડીમૉલિશન માટે જવાબદાર એકપણ વ્યક્તિને સજા 
કરવામાં આવી નથી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments