Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

PM નરેન્દ્ર મોદીએ કોવૅક્સિન લીધી, તો પછી અમેરિકા જવાની પરવાનગી કઈ રીતે મળી?

PM નરેન્દ્ર મોદીએ કોવૅક્સિન લીધી, તો પછી અમેરિકા જવાની પરવાનગી કઈ રીતે મળી?
, શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (15:04 IST)
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રા પર છે, તેઓ આ દરમિયાનમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે, પણ એ પહેલાં તેઓ અમેરિકા અને કેટલાક અન્ય દેશોના વડાઓને તથા કેટલીક કંપનીઓના મુખ્ય અધિકારીઓને પણ મળશે.
 
નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત સંદર્ભે સોશિયલ મીડિયા પર રસપ્રદ ચર્ચા છેડાઈ ગઈ છે. કોરોના સંક્રમણથી બચવા માટે તેમણે ભારતમાં જ બનેલી કોવૅક્સિન રસી લીધી છે.
 
વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOએ હજી સુધી કોવૅક્સિનને માન્યતા આપી નથી. અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશને પણ આને માન્યતા આપી નથી.
 
આ કારણથી હજારો ભારતીયો કોવૅક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ વિદેશ જઈ શકતા નથી. તો પછી ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકા જવાની પરવાનગી કઈ રીતે મળી, આ અંગે સોશિયલ મીડિયામાં લોકો અનેક પ્રશ્નો પૂછી રહ્યા છે.
 
નરેન્દ્ર મોદીએ પહેલી માર્ચે નવી દિલ્હીસ્થિત AIIMS ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો.
 
એ વખતે વીડિયોમાં તેમને રસી આપનાર નર્સોએ કહ્યું હતું કે 'વડા પ્રધાન મોદીએ ભારત બાયૉટેક દ્વારા વિકસાવાયેલી સંપૂર્ણપણે ભારતીય રસી કોવૅક્સિનનો ડોઝ લીધો છે.'
 
જે બાદ એપ્રિલ મહિનામાં મોદીએ રસીનો બીજો ડોઝ લીધો હતો.
 
સોશિયલ મીડિયા પર સવાલ
ભારતીય વડા પ્રધાને જે કોરોના રસી લીધી છે, તેને માન્યતા ન મળી હોવાથી તેમની વિદેશયાત્રા અંગે લોકો સવાલ પૂછી રહ્યા છે.
 
જાણીતા રિયાલિટી શો ઇન્ડિયન આઇડલના નિર્માતા નિખિલ અલ્વાએ ટ્વીટ કરીને પૂછ્યું છે કે "નરેન્દ્ર મોદીએ કઈ રસી લીધી છે?"
 
તેમણે લખ્યું, "પીએમની જેમ મેં પણ આત્મનિર્ભર કોવૅક્સિન લીધી હતી. ઈરાન, નેપાળ અને ગણતરીના કેટલાક દેશોને છોડી દઈએ, તો હું કોઈ પણ દેશની યાત્રા કરી શકું એમ નથી."
 
"હું આ સાંભળીને ચોંકી ગયો કે વડા પ્રધાન અમેરિકાની યાત્રા કરી રહ્યા છે, જ્યાં કોવૅક્સિનને માન્યતા સુધ્ધાં નથી. તો પછી તેમણે હકીકતમાં કઈ રીતે લીધી હતી?"
 
કૉંગ્રેસ પાર્ટીના સોશિયલ મીડિયા કો-ઑર્ડિનેટર વિનયકુમાર ઢોકનિયાએ પણ સવાલ ઉઠાવ્યા છે કે કોવૅક્સિન લેનારા મોદીજી અમેરિકા કઈ રીતે ગયા?
 
તેમણે નિખિલ અલ્વાના ટ્વીટમાં જ લખ્યું, "વડા પ્રધાનને અમેરિકા જવાની પરવાનગી કઈ રીતે મળી? એ પણ એ સ્થિતિમાં કે તેમણે જે કોવૅક્સિન લીધી છે, તેને અમેરિકામાં માન્યતા નથી."
 
રાજકીય પત્રકાર સ્વાતિ ચતુર્વેદીએ પણ ટ્વીટ કર્યું છે કે "કોવૅક્સિનને અમેરિકામાં માન્યા નથી. એવામાં ભારતના વડા પ્રધાન મોદીને અમેરિકા જવાની અનુમતિ કઈ રીતે મળી?"
 
નરેન્દ્ર મોદીને પરવાનગીની જરૂર છે?
આ સ્થિતિમાં પ્રશ્ન ઊભો થાય છે કે અમેરિકાએ કોવૅક્સિનના ડોઝ લેનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશમાં પ્રવાસની પરવાનગી કઈ રીતે આપી હશે?
 
આ પ્રશ્નનો જવાબ આપતાં આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર શૈલેન્દ્ર દેવલાંકરે કહ્યું કે, "વૅક્સિનનો મામલો માત્ર ભારત સાથે સંકળાયેલો નથી, આ તમામ દેશો સાથે જોડાયેલી વાત છે."
 
"તમામ દેશો પાસે અમેરિકાની માન્યતા ધરાવતી રસી પ્રાપ્ય હોય, એ શક્ય નથી. તો આવી સ્થિતિમાં રાહત આપવામાં આવતી હોય છે."
 
ભારતીય વડા પ્રધાન અમેરિકાની મુલાકાત દરમિયાન શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રને સંબોધિત કરશે. જેમાં 193 દેશોના વડા હાજર હશે.
 
દેવલાંકર કહે છે, "જ્યારે પણ વિદેશી સંબંધો માટે પ્રવાસ યોજાય છે, ત્યારે ડિપ્લોમૅટ્સને છૂટ આપવામાં આવતી હોય છે. એ પ્રકારની છૂટ મોદીને પણ મળી હોય, એવું શક્ય છે."
 
બીબીસી મરાઠી સાથે વાત કરતાં અનેક દેશોમાં ભારતના રાજદૂત રહી ચૂકેલા અનિલ ત્રિગુણાયતે જણાવ્યું કે, "કોરોનાસંકટનો સમય દરેક માટે નવો છે. રાજકીય સંવાદ માટે યજમાન દેશ નિયમોમાં છૂટ આપી શકે છે. આ સંયુક્ત રાષ્ટ્રની બેઠક માટે પણ શક્ય છે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અક્ષરધામ હુમલો : 20 વર્ષે પણ ચર્ચાતો સવાલ કે 'હુમલા પાછળ કોણ હતું?'