Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

લોકસભા ચૂંટણી 2019 : પશ્ચિમ બંગાળમાં હિંસા, ભાજપ-ટીએમસીના કાર્યકર્તા આમને-સામને

લોકસભા ચૂંટણી 2019 : પશ્ચિમ બંગાળમાં હિંસા, ભાજપ-ટીએમસીના કાર્યકર્તા આમને-સામને
, સોમવાર, 29 એપ્રિલ 2019 (10:39 IST)
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 29 એપ્રિલના રોજ 9 રાજ્યોની 72 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળના આસનસોલમાં મતદાન દરમિયાન હિંસાની ઘટના બની છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે આસનસોલથી ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેનાં કાચને તોડવામાં આવ્યાં હતાં.
 
આસનસોલમાં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા જે બાદ પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો હતો.
તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકર્તાઓ અને સુરક્ષાદળો વચ્ચે ઝપાઝપી થઈ હતી.  હિંસાના આ દૃશ્યોનો વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો સુરક્ષાદળો સાથે મારપીટ કરી રહ્યા છે.
webdunia
ચોથા તબક્કામાં મહારાષ્ટ્રની સૌથી વધારે 17, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની 13 અને પશ્ચિમ બંગાળની 8 બેઠકોનો સમાવેશ થાય છે. આ પહેલાં 27 તારીખના 5 વાગ્યે ચોથા તબક્કામાં સમાવેશ થનારી બેઠકો પર ચૂંટણીપ્રચાર થંભી ગયો હતો. આ સાથે જ મધ્ય પ્રદેશની 6, ઓડિશાની 6, બિહારની 5, ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીરની 1 બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે.
 
આ તબક્કાની સાથે જ ભારતની લોકસભા ચૂંટણીની સફર અડધા તબક્કા સુધી પહોંચી ગઈ છે. ચૂંટણી પર નજર રાખનારી સંસ્થાઓ 'નેશનલ ઇલેક્શન વૉચ' અને 'ઍસોસિયેશન ફૉર ડેમૉક્રસી રિફૉર્મ્સ'ના રિપોર્ટસ અનુસાર આ તબક્કામાં કુલ 943 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. જેમાં કેટલાક ઉમેદવારોનો રેકર્ડ ગુનાહિત છે અને કેટલાક ઉમેદવારો કરોડોની સંપત્તિ ધરાવે છે.
 
આ તબક્કામાં 158 એટલે કે 17 ટકા ઉમેદવારો એવા છે જેમના સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 210 એટલે કે 23 ટકા ઉમેદવારો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. 306 એટલે કે 33 ટકા કરોડપતિ ઉમેદવારો આ ચૂંટણીજંગમાં છે. પાંચ ઉમેદવારોએ પોતાના ઉપર હત્યાનો મામલો અને 24 ઉમેદવારોએ હત્યાના પ્રયાસનો ઉલ્લેખ કરેલો છે. 21 ઉમેદવારોએ પોતાના પર મહિલાઓ સાથે હિંસાના મામલા પણ જાહેર કર્યા છે.
 
webdunia
660 કરોડ અને 500 રૂપિયા ધરાવતા ઉમેદવાર
 
મધ્ય પ્રદેશમાં છિંદવાડાથી કૉંગ્રેસના ઉમેદવાર અને રાજ્યના મુખ્ય મંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથ આ તબક્કામાં સૌથી વધારે પૈસાદાર ઉમેદવાર છે. તેમણે 660 કરોડ રૂપિયાથી પણ વધારે સંપત્તિ જાહેર કરી છે. જ્યારે રાજસ્થાનના ઝાલાવાડ-બારાંથી ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવાર પ્રિંસ કુમાર ચોથા તબક્કામાં સૌથી ગરીબ ઉમેદવાર છે. જેમણે પોતાની સંપત્તિ 500 રૂપિયા જાહેર કરી છે.
 
માત્ર 10 ટકા મહિલાઓ અને 9 અભણ ઉમેદવાર ચોથા તબક્કામાં કુલ 96 મહિલાઓ ચૂંટણીમેદાનમાં છે જે કુલ ઉમેદવારોની સંખ્યાના માત્ર 10 ટકા છે. આ તબક્કામાં 404 એટલે કે 44 ટકા ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક યોગ્યતા 5થી 12 ધોરણ સુધીની દર્શાવી છે.
454 એટલે કે 49 ટકા ઉમેદવારોએ પોતાને ગ્રૅજ્યુએટ ગણાવ્યા છે. જ્યારે નવ ઉમેદવારોએ ખુદને અભણ ગણાવ્યા છે.
 
આ દિગ્ગજો પર રહેશે નજર
 
ચોથા તબક્કામાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલાં બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર અને જેએનયૂ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર પર સૌની નજર છે. ઉર્મિલા માતોંડકર કૉંગ્રેસની ટિકિટ પરથી ઉત્તર મુંબઈની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે કનૈયા કુમાર બેગુસરાયથી સીપીઆઈની ટિકિટ પરથી ચૂંટણી લડે છે. બેગૂસરાયથી આરજેડીના ઉમેદવાર તનવીર હસન અને ભાજપના ગિરિરાજ સિંહને કારણે આ બેઠક ખૂબ ચર્ચામાં છે. મધ્ય પ્રદેશના છિંદવાડાથી નવ વખત સાંસદ રહી ચૂકેલા કમલનાથના પુત્ર નકુલ નાથ ચૂંટણી લડી રહ્યા છે.
 
ઉત્તર પ્રદેશમાં કન્નોજની બેઠક પણ આ તબક્કામાં ચર્ચામાં છે. કન્નોજથી રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવનાં પત્ની ડિમ્પલ યાદવ ચૂંટણી લડી રહ્યાં છે. આ બેઠક પર સમાજવાદી પાર્ટીએ સાત વખત જીત હાંસલ કરી છે.  પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પણ ચર્ચામાં છે. અહીં તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપ બંનેએ ફિલ્મ કલાકારોને ને ટિકિટ આપી છે. ભાજપ તરફથી ગાયક બાબુલ સુપ્રિયો અને ટીએમસી તરફથી અભિનેત્રી મુનમુન સેન ચૂંટણી લડી રહ્યાં છે.  બહુજન સમાજ પાર્ટીરાજકારણભારતીય જનતા પાર્ટીસમાજવાદી પાર્ટીલોકસભા ચૂંટણી 2019ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રેલ યાત્રીઓ માટે Jioનો જોરદાર એપ, જાણો તેનાથી સંકળાયેલી 5 ખાસ વાત