Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

લોકસભા ચૂંટણી 2019 : નરેન્દ્ર મોદી સામે તેજ બહાદુર યાદવ કેમ ચૂંટલી લડી રહ્યા છે?

લોકસભા ચૂંટણી 2019 : નરેન્દ્ર મોદી સામે તેજ બહાદુર યાદવ કેમ ચૂંટલી લડી રહ્યા છે?
, રવિવાર, 28 એપ્રિલ 2019 (07:35 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વારાણસીથી ઉમેદવારી નોંધાવી. તેમની સામે કૉંગ્રેસમાંથી અજય રાય અને સપા-બસપા ગઠબંધનથી શાલિની યાદવ ચૂંટણી લડી રહ્યાં છે.
વડા પ્રધાન તેમનાં ભાષણોમાં રાષ્ટ્રવાદ, દેશભક્તિ અને સેનાનો ઉલ્લેખ કરતા રહે છે. તેઓ કહેતા રહે છે કે સેનાને મજબૂત કરવી જોઈએ.
એક વાત જાણવા જેવી છે કે આ ચૂંટણીના સંઘર્ષમાં વડા પ્રધાન મોદી સામે બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવ મેદાને ઊતર્યા છે.
webdunia
વાઇરલ વીડિયોથી ચર્ચામાં આવ્યા
બે વર્ષ પહેલાં તેજ બહાદુર યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં તેઓ જવાનોને મળતા ભોજનની અંગે ફરિયાદ કરતા જોવા મળ્યા હતા.
જવાનોને કેવી ગુણવત્તાનું ભોજન મળે છે તે અંગે તેમણે અવાજ ઉઠાવ્યો હતો.
તેજ બહાદુરે જણાવ્યું હતું કે અધિકારીઓને ફરિયાદ કરવા છતાં કોઈ સાંભળતું નથી. એટલે સુધી કે તેમણે ગૃહમંત્રાલયને પત્ર લખ્યો હોવા છતાં પણ કંઈ થઈ શક્યું નહોતું.
તેજ બહાદુર યાદવના એ વીડિયો બાદ રાજકીય વાતાવરણ ગરમાયું હતું. સેનાએ તપાસના આદેશ આપ્યા હતા અને તેજ બહાદુરને બીએસએફમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
 
મોદી વિરુદ્ધ શા માટે?
હરિયાણાના રહેવાસી તેજ બહાદુર યાદવે આખરે બનારસને ચૂંટણી મેદાન તરીકે શા માટે પસંદ કર્યું?
આ સવાલનો જવાબ આપતા યાદવ કહે છે, "અમે કાશી વિશ્વનાથની કૃપાથી નકલી ચોકીદારને હરાવવા માગીએ છીએ. જે લોકો સેના પર રાજનીતિ કરે છે અમારે તેમને હરાવવા છે. તેમણે આપણી સેનાનું નામ બદનામ કર્યું છે જેનાથી જવાનોના જોશમાં ઘટાડો થયો છે."
ઉરી હુમલા બાદ સેના દ્વારા કરાયેલી ઍરસ્ટ્રાઇક અને પુલવામા હુમલા બાદ વાયુસેનાની ઍરસ્ટ્રાઇકનો શ્રેય ભાજપના નેતાઓ વડા પ્રધાન મોદીને આપે છે.
અવારનવાર મોદી પણ ગત સરકારો પર આરોપ મુકે છે કે તેઓ સેનાને છૂટ નહોતા આપતા.
આ અંગે તેજ બહાદુર કહે છે, "એવું નથી કે સેનાએ પ્રથમ વખત સર્જિકલ સ્ટ્રાઇક અથવા ઍરસ્ટ્રાઇક કરી હોય. આ પહેલાં પણ સેનાએ આ કામ કર્યું છે પરંતુ તેના પર રાજનીતિ નહોતી થતી."
"હાલની સરકાર સેનાના નામે રાજનીતિ કરી રહી છે તેને જવાબ આપવા માટે હું ચૂંટણી લડી રહ્યો છું."
યાદવ એવું પણ કહે છે, "આજ સુધી અમે દેશની સીમાની રક્ષા કરી હતી. પરંતુ જો દેશનો જવાન સંસદમાં નહીં તો દેશ નહીં બચે."
 
'પુલવામા હુમલો કેમ થયો?'
વડા પ્રધાન મોદી અને ભાજપના અન્ય નેતાઓ ચૂંટણીપ્રચારમાં દાવો કરે છે કે મોદીના નેતૃત્વમાં ભારત મજબૂત બન્યું છે.
આ અંગે તેજ બહાદુર સવાલ ઉઠાવતા કહે છે કે જો ભારત આટલું જ મજબૂત હોય તો પુલવામા હુમલો કેવી રીતે થયો?
તેઓ આ હુમલા પાછળ કોઈ ષડયંત્ર હોવાનું જણાવી કહે છે, "જો અન્ય દેશોને મોદીનો એટલો જ ડર હોય તો પુલવામા જેવો મોટો હુમલો કેવી રીતે થાય?"
"આજ સુધી સેના પર આટલો મોટો હુમલો નથી થયો. ક્યાંક એવું તો નથીને કે તેમણે પોતાની રાજનીતિ માટે આ હુમલો કરાવ્યો હોય?"
 
અસલી ચોકીદાર કોણ?
તેજ બહાદુર યાદવ ચૂંટણીપ્રચારમાં જે પોસ્ટર વહેંચી રહ્યા છે તેમાં લખ્યું છે કે તેઓ દેશના અસલી ચોકીદાર છે.
અસલી અને નકલી ચોકીદાર અંગે તેઓ કહે છે, "આટલાં વર્ષો સુધી દેશની સીમાની ચોકીદારી અમે કરી, એટલા માટે દેશના અસલી ચોકીદારો અમે છીએ."
તેઓ રફાલ મામલા અંગે વાત કરતા કહે છે, "જો મોદીજી ખુદને ચોકીદાર ગણાવે છે, તો રફાલની ફાઇલો ચોરી કેવી રીતે થઈ ગઈ? નીરવ મોદી સહિત અન્ય લોકો દેશ છોડીને કેમ ભાગી ગયા? આખરે તેઓ કઈ વાતના ચોકીદાર છે?"
 
ચૂંટણીનો રસ્તો શા માટે?
તેજ બહાદુર યાદવના ચૂંટણીપ્રચારમાં તેમના સૈનિક મિત્રો પણ આવ્યા છે. આખરે તેમણે ન્યાય માટે અદાલતને બદલે ચૂંટણીનો રસ્તો શા માટે પસંદ કર્યો?
આ સવાલનો જવાબ આપતા તેઓ કહે છે, "ખુદ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો પત્રકાર પરિષદ યોજી અદાલતની સ્વાયતત્તા પર સવાલ ઊઠાવે છે તો અમને શું ન્યાય મળે!"
પોતાના ચૂંટણીપ્રચારને લોકપ્રતિસાદ કેવો મળે છે તે અંગે વાત કરતા તેઓ કહે છે કે ગરીબ, ખેડૂત, મજૂર તેમની સાથે છે.
જ્યારે તેઓ પ્રચાર માટે નીકળે છે તો આ વર્ગના લોકો તેમનો સાથ આપવાની વાત કરે છે.
આ સિવાય તેઓ એવું પણ કહે છે કે મોટી-મોટી ગાડીઓમાં ફરતા અમીરો તેમને મત નહીં આપે.
તેજ બહાદુર યાદવ મંગલ પાંડેનો ઉલ્લેખ કરતા કહે છે કે તેમની તરફથી શરૂ થયેલી આઝાદીની લડાઈની ચિનગારીએ દેશને સ્વતંત્રતા અપાવી.
તેઓ કહે છે, "છેલ્લાં 70 વર્ષમાં પ્રથમ વખત વડા પ્રધાન સામે સેનાનો જવાન ચૂંટણી લડે છે. આ એક ચિનગારી કેવી રીતે આગ બની જશે એ તમે જુઓ."
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડીસામાં દબંગ બિલ્ડર સામે ભાજપની સરકાર અને તંત્ર લાચાર