Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

લોકસભા ચૂંટણી Phase6 : પ્રિયંકા ગાંધીએ કર્યું મતદાન, ઈવીએમ ખોટકાયાંની ફરિયાદો

લોકસભા ચૂંટણી Phase6 : પ્રિયંકા ગાંધીએ કર્યું મતદાન, ઈવીએમ ખોટકાયાંની ફરિયાદો
, રવિવાર, 12 મે 2019 (08:43 IST)

લોકસભાની ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાના મતદાનમાં કેટલાક સ્થળોએ ઈવીએમમાં સમસ્યાઓ બહાર આવી છે.

સમાજવાદી પાર્ટીએ દાવો કર્યો છે કે આઝમગઢ લોકસભા ક્ષેત્રની ગોપાલપુર વિધાનસભામાં બૂથ 20 અને 21માં ઈવીએમ કામ નથી કહી રહ્યાં.

સુલતાપુરમાં મેનકા ગાંધી અને ગઠબંધન ઉમેદવાર વચ્ચે બોલાચાલી
લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનમાં લોકસભાની સુલતાનપુરથી બેઠક પરથી ભાજપના ઉમેદવાર મેનકા ગાંધી અને સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર સોનુ સિંહ વચ્ચે બોલાચાલીની ઘટના બની છે.
મેનકા ગાંધીએ સોનુ સિંહના સમર્થકો મતદાતાઓને ધમકી આપતા હોવાની વાત કરી હતી.
આ મુદ્દે મેનકા ગાંધી અને સોનુ સિંહ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ છે.
 
આ ઉપરાંત દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ પાંડવનગરથી મતદાન કર્યુ છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે પણ રાષ્ટ્રપતિ ભવનમાં મતદાન કર્યુ છે.
હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે કરનાલ મતદાન મથક પરથી મતદાન કર્યુ છે.
દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના ઉમેદવાર શીલા દીક્ષિતે પણ મતદાન કર્યુ છે.
webdunia
વિરાટ કોહલી, ગંભીર અને પ્રજ્ઞા સિંહ ઠાકુરે મતદાન કર્યું
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ ગુરૂગ્રામમાં પિનક્રેસ્ટ સ્કૂલમાં મતદાન કર્યુ છે.
ઇસ્ટ દિલ્હી બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ કિક્રેટર ગૌતમ ગંભીરે જૂના રાજિન્દર નગર બૂથ પરથી મતદાન કર્યુ છે. ગંભીરની સામે કૉંગ્રેસના અરવિન્દર સિંહ લવલી અને આપના આતિષી ઉમેદવાર છે.
ભોપાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરે પણ મતદાન કર્યુ છે. એમની સામે કૉંગ્રેસના દિગ્વિજય સિંહ ઉમેદવાર છે.

છઠ્ઠા તબક્કાનું મતદાન ભાજપ તથા કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને જાણીતા ચહેરાઓનું ભાવિ નક્કી કરશે. જેમાં કેટલાક ખેલાડીઓનાં નામો પણ સામેલ છે.
લોકસભા ચૂંટણીનું છઠ્ઠા તબક્કાનું મતદાન રવિવારે છે, જેમાં છ રાજ્યો અને એક કેન્દ્રશાસિત રાજ્યની 59 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
આ બેઠકોમાં આજે ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10, બિહારની આઠ, પશ્ચિમ બંગાળની આઠ, મધ્ય પ્રદેશની આઠ, દિલ્હીની સાત તથા ઝારખંડની ચાર બેઠકો સામેલ છે.
વર્ષ 2014માં આ 59 બેઠકોમાંથી ભાજપ 45 બેઠકો જીત્યો હતો, એ સિવાય તૃણમુલ કૉંગ્રેસ પાર્ટી આઠ બેઠકો જીતી હતી. જ્યારે સમાજવાદી પાર્ટી એક બેઠક જીતી હતી.
webdunia
કઈ-કઈ વીઆઈપી સીટો પર મતદાન
દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં આ વખતે દિગ્ગજ નેતાઓની સાથે જાણીતા ખેલાડી ચહેરાઓને પણ ભાજપ-કૉંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદર્શન પર સૌની નજર રહેશે.
વર્ષ 2014માં અહીંની તમામ સાત બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. દિલ્હીની સાત બેઠકોના 164 ઉમેદવારનું ભાવિ આજે નક્કી થઈ જશે.
આ વખતે ચૂંટણીજંગમાં શીલા દીક્ષિત, બૉક્સર વિજેંદર સિંહ, ગૌતમ ગંભીર, આતિશી, અજય માકન જેવા દિગ્ગજ નેતા મેદાનમાં છે.
આ ઉપરાંત આજે ઉત્તર પ્રદેશ તથા બિહારની કેટલીક બેઠકો પણ દિગ્ગજ નેતાઓના કારણે ચર્ચામાં રહેશે.
ઉત્તર પ્રદેશની આઝમગઢ બેઠક પર સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સામે ભાજપના ઉમેદવાર દિનેશ યાદવ છે અને કેન્દ્રીય મંત્રી રહેલાં મેનકા ગાંધી સુલ્તાનપુર બેઠકથી ચૂંટણીજંગમાં છે.
કેન્દ્રીય મંત્રી રાધામોહન સિંહ બિહારમાં પૂર્વ ચંપારણથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે.
 
મધ્ય પ્રદેશની આઠ લોકસભા બેઠકો પર પણ રવિવારે મતદાન યોજાશે, જે પૈકી ભોપાલ બેઠક પર સૌથી રસપ્રદ મુકાબલો રહેશે. ગુના, ગ્વાલિયર અને વિદિશામાં પણ મજબૂત ટક્કર જોવા મળી શકે છે.
ભોપાલ બેઠક માટેનો જંગ રસપ્રદ ગણાય છે કારણકે મૂળે ભારતીય જનતા પાર્ટીની બેઠક રહી છે. પણ અહીંથી કૉંગ્રેસ દિગ્વિજય સિંહને ઉતાર્યા છે કે જેઓ વર્ષો બાદ ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લે તેઓ 2006માં ચૂંટણી લડ્યા હતા.
દિગ્વિજય ચૂંટણી લડી રહ્યા હોવાથી કૉંગ્રેસને ઘણી આશાઓ છે તો સામે ભાજપે આ જ બેઠક પરથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉતારીને કૉંગ્રેસની ચિંતા વધારી દીધી છે.
 
વર્ષ 1989થી ભાજપનો દબદબો ધરાવતી ભોપાલ બેઠક પર બન્ને પક્ષો માટે પડકારજનક સ્થિતિ છે. સાધ્વી પ્રજ્ઞાએ ચૂંટણીના 25 દિવસ પહેલાં જ પ્રચારકાર્ય શરૂ કર્યું છે.
રાજનગરથી ચૂંટણી લડવું દિગ્વિજય સિંહ માટે કદાચ સરળ રહ્યું હોત પણ ભોપાલ બેઠક પરથી તેઓ ચૂંટણી લડી રહ્યા હોવાથી હવે મુકાબલો રસપ્રદ થઈ ગયો છે.
ગુના બેઠક દેશની આઝાદીના સમયથી જ સિંધિયા પરિવારનો ગઢ રહી છે. આ બેઠક પર ચાર વખત ભાજપ અને નવ વખત કૉંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. એક વખત આ બેઠક જનસંઘના ભાગે ગઈ હતી.
આ બેઠક પર વિજયારાજે સિંધિયા, માધવરાવ સિંધિયા અને જ્યોતિરાદિત્ય સિંધિયા સતત જીતતા આવ્યાં છે.
માધવરાવ સિંધિયાના મૃત્યુ બાદ ગુના બેઠક પર વર્ષ 2002માં ઉપચૂંટણી થઈ, ત્યારથી અહીં જ્યોતિરાદિત્ય સિંધિયા જ જીતે છે. જોકે આ વખતે ભાજપે રણનીતિ બદલીને આ બેઠક પરથી સિંધિયા પરિવારના નજીકના ગણાતા કે. પી. યાદવને ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ જ્યોતિરાદિત્યના સાંસદ પ્રતિનિધિ પણ રહી ચૂક્યા છે.
 
ગઈ લોકસભાની ચૂંટણીમાં જ્યોતિરાદિત્ય એક લાખ 20 હજાર મતોની સરસાઈથી જીત્યા હતા. આ બેઠક પર તેમના પરિવારનું વર્ચસ્વ છે પણ સામા પક્ષે ઉમેદવાર તરીકે યાદવ તેમને પડકારી શકે છે કે કેમ એ જોવું રહેશે.
વર્તમાન કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે 2014ની ચૂંટણીમાં ગ્વાલિયર બેઠક કૉંગ્રેસના અશોક સિંહ પાસેથી આંચકી લીધી હતી. પરંતુ, આ વખતે ભાજપે તેમના બદલે ગ્વાલિયરથી મેયર વિવેક શેઝ્વાલકરને ટિકિટ આપી છે. અશોક સિંહ આ વખતે ફરીથી કૉંગ્રેસ તરફથી મેદાનમાં ઊતર્યા છે. યશોધરા રાજે સિંધિયા પણ આ બેઠક પરથી ભાજપના સાંસદ રહી ચૂક્યાં છે.
વિદિશા બેઠક પર ભાજપનાં મોટાં નામો ચૂંટણી લડી ચૂક્યાં છે અને સાંસદ પણ રહ્યાં છે.
જેમાં પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, સુષમા સ્વરાજ અને પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ મુખ્ય નામો છે.
ચાર દસકાથી ભાજપનો ગઢ મનાતી આ બેઠક પરથી લડવાની સુષમા સ્વરાજના ના પાડ્યા બાદ શિવરાજસિંહ ચૌહાણનાં પત્નીને ટિકિટ મળવાની શક્યતાઓ હતી. પરંતુ, ભાજપે રમાકાંત ભાર્ગવને અહીંથી ઉમેદવાર જાહેર કર્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL FINALમાં ચોથી વાર મુંબઈ અને ચેન્નઈની થશે ટક્કર - જાણો કોણું પલડુ છે ભારે