રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાતો હોવાના નિવેદન બાદ ગુજરાતમા તેમના સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ્યા અશોક ગેહલોતના ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાતો હોવાના નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવ્યુ છે. ત્યારે વાંસદા ભાજપના કાર્યકરો દ્વારા ગેહલોતના નિવેદન સામે આક્રોશ વ્યક્ત કરી તેમના પુતળાને ચંપલ માર્યા હતા.અને તેમના પુતળાનું દહન કર્યુ હતુ.
અશોક ગેહલોતનાના નિવેદન પર સીએમ રૂપાણીએ જણાવ્યુ હતું કે, મને એવું લાગે છે કે, એક પછી એક ચૂંટણી હાર્યા પછી અને એમાં પણ રાજસ્થાનમાં બધી જ લોકોસભાની સીટ હારી ગયા પછી, હજી કોંગ્રેસના લોકોમાં કળ વળી નથી. અને બધા લોકો પોતાના જીભ અને મગજનું જે જાડોણ તૂટી ગયા હોય એવું લાગે છે. ગેહલોતજીએ ઘરે ઘરે દારૂ પીવાય છે આ નિવેદન આપીને સાડા છ કરોડ ગુજરાતીઓનું અપામન કર્યું છે. તમામ ગુજરાતીઓને દારૂડિયા કીધા છે, એમને શોભતું નથી. ગુજરાતની કોંગ્રેસે તેનો જવાબ આપવો પડે અને અશોક ગેહલોતે ગુજરાતના લોકોની માફી માગવી જોઇએ.
તો બીજી તરફ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના અશોક ગેહલોતનું નિવેદન-“ગુજરાતમાં ઘરે ઘરે દારુ પીવાય છે” તે ગુજરાતનાં દરેક પરીવાર માટે ‘આઘાતજનક’ અને ‘અપમાનજનક‘ છે. તેમણે ‘ઘર’ શબ્દ વાપરીને ગુજરાતની સમગ્ર યુવા પેઢી, મહિલાશક્તિ અને વડીલોનું હાડોહાડ અપમાન કર્યુ છે. કોંગ્રેસને હમેશાં ગુજરાતની પ્રગતિ, ગુજરાતનાં કલ્ચર અને ગુજરાતનાં ગૌરવ , નેતૃત્વની હમેશાં ઈર્ષ્યા થતી હોય છે.
કોંગ્રેસનાં બે જ કામ છે. કે ગુજરાતહિતને નુકશાન કરવું અને ગુજરાતને બદનામ કરવાનો સતત પ્રયાસ કરવો. નર્મદા વિરોધી-પાણી વિરોધી કોંગ્રેસ દારુબંધીની તરફેણ કરીને ગુજરાતની જનતાને દારુડીયા કહીને અપમાન કરે છે ત્યારે ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ કેમ ચૂપ છે ? કોંગ્રેસનાં નેતાઓએ અને અશોક ગેહલોતે ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ .ગુજરાતની જનતાને લોકમન કે લોકમતથી જીતી શકયાં નથી એટલે સતત બદનામ કરવાનો પ્રયાસ કરે છે.