દારૂબંધી પર રાજસ્થાનનાં મુખ્યપ્રધાન અશોક ગહલોતે કહ્યુ હતું કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. દારૂબંધીનો એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો જેથી પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. આ નિવેદન પર પલટવાર કરતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, રાજસ્થાનનાં સીએમ અશોક ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવે.
ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ દારૂબંધીનાં સમર્થનમાં છે કે તેઓ દારૂ પીવાનું સમર્થન કરે છે તે જણાવે. 'ગહેલોતજીને હું બે વાત કહેવા માંગુ છું, ગહલોતજીએ કહ્યું કે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે જેનો અર્થ એ થયો કે દરેક ગુજરાતીઓ દારૂ પીવે છે. જેનો મને વિરોધ છે. ગહલોતે માફી માંગવી જોઇએ. એક પછી એક ચૂંટણી હાર્યા બાદ કૉંગ્રેસ ઘણી જ નિરાશામાં છે. નેતાઓ બફાટ કરે છે. પહેલાથી જ તેમને ગુજરાત પ્રત્યે રોષ છે. સરદાર વલ્લભભાઇ પટેલ પર પણ તેમણે ગમે તેવા નિવેદનો કરેલા છે.
ગાંધી તેમને ગમતા નથી. મોદી અને ગુજરાત પણ તેમને ગમતા નથી. આ વાત પણ ગુજરાતની જનતા જાણે છે. ગુજરાતને બદનામ કરવાની કુચેષ્ઠા છે તેટલા માટે જ તેમનો વિરોધ કરીએ છીએ.' આ સાથે ગુસ્સામાં તેમણે કહ્યું કે, 'ગહલોતે ગુજરાતની જનતાને માફી માંગે. ગહલોતનાં કલબલીયા વગાડનારા કોંગ્રેસીયાઓ પણ સાંભળી લે કે, જો ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવે. રાજસ્થાનમાં મહિલાઓએ જે માંગણી કરી છે કે તેની ચેલેન્જ સ્વીકારે અને ધ્યના રાખે કે કોઇપણ ઘરમાં દારૂ ન પીવાય. '