ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું છે. તમામ પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઇ છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી ચાલી રહી છે. અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના ઘણા સીનિયર કાઉન્સિલ ચૂંટણી લડવા માંગતા નથી તો ઘણા નેતા પોતાના પરિવારના સભ્યોને ટિકીટ આપવાની ભલામણ કરી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્ય અને કાઉન્સિલ ઇમરાન ખેડાવાલાએ ફરી એકવાર ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે પાર્ટી કહેશે તો તે ફરીથી કાઉન્સિલરની ચૂંટણી લડશે.
કોંગ્રેસના ધારાસભ્ય અને જમાલપુર વોર્ડના અપક્ષ કાઉન્સિલ ઇમરાન ખેડાવલાએ આગામી મહિને યોજાનારી અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે કોર્પોરેશનની ચૂંટણી લડવાથી તેમની પાર્ટીને મજબૂતી મળશે.
ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે ખાડિયામાં મતદારોનું કહેવું છે કે તે ફરીથી ચૂંટણી લડે અને હવે કોંગ્રેસ તરફથી ચૂંટણીના મેદાનમાં ઉતરે. જો તે ચૂંટણીના મેદાનમાં ઉતરે છે તો તેનો સીધો ફાયદો જમાલપુર, ખાડિયા અને બહેરામપુરામાં કોંગ્રેસને થશે. ખાડિયામાં 45 વર્ષથી ભાજપના કોર્પોરેટર ચૂંટાય છે. ખાડિયા વોર્ડમાં લડવાથી પુરી પેનલ કોંગ્રેસ જીતી શકે છે. ધારાસભ્ય તરીકે તેમણે સારું કામ કર્યું છે એટલા માટે તેમનો પ્રભાવ પડી શકે છે. તેમનું કહેવું છે કે પાર્ટી જો ચૂંટણી લડવાની પરવાનગી આપે છે તો તે જરૂર મેદાનમાં ઉતરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૌતમ શાહે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. ખાડિયા જમાલપુરના ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પોતાન પુત્ર માટે ટિકીટ માંગી છે. અમિત શાહે પણ પોતાના પુત્ર માટે ટિકીટ માંગી છે.