બોલિવુડના અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલના નાના ભાઈની ધરપકડ કરતા ટોક ઓફ ટાઉન બની ગયો છે. વિસનગરમાં ગૌરવપથ પર કૃષ્ણ સિનેમા પાસે આવેલી મથુરદાસ ક્લબમાં ચાલતા ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલના ભાઇ હિમાંશુ રાવલ અને સગા કિર્તી રાવલના જુગારધામમાં સોમવારે રાત્રે મહેસાણા એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો.જેમાં પરેશ રાવલના ભાઇ હિમાંશુ રાવલ સહિત 20 શખ્સોને રૂ.1,94,540 રોકડ રકમ, રૂ.64,500ના 16 મોબાઇલ અને રૂ.3.75 લાખના ત્રણ વાહનો મળી રૂ.6,33,540નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મહેસાણા પેરોલ ફ્લો સ્કોડના પીએસઆઈ એસ.બી. ઝાલા વિગેરે મોડી રાત્રે એલસીબી કચેરીએ હાજર હતા ત્યારે બાતમી મળી હતી કે વિસનગરના મથુરદાસ ક્લબમાં ચાલતા હાઈ પ્રોફાઈલ જુગારધામમાં અમદાવાદ-ગાંધીનગર સહિતના શહેરોમાંથી લોકો જુગાર રમવા આવે છે. જોકે જુગારધામની આગળ વાહનોનો ખડકલો ન થાય અને કોઈને શંકા ન પડે તે માટે બહારગામથી જુગારીયા લાવવામાં અને લઈ જવા માટે બે ઈકો ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે બન્ને ગાડી પોલીસે જપ્ત કરી છે.