ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં સેલ્ફી લેવી ભારે પડશે. હાલમાં અહીં સેલ્ફી પર પાબંધી લગાવવામાં આવી છે. સાપુતારા, ડાંગ જિલ્લામાં આવે છે. જ્યાં કલેક્ટર દ્વારા આ અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર હિલ સ્ટેશન પર સેલ્ફી લેવી અને ફોટોગ્રાફી કરવા પર પાબંધી લગાવી દીધી છે. જો તમે સેલ્ફી લેતાં પકડાઇ ગયા અથવા કોઇએ તમારી ફરિયાદ પોલીસને કરી તો તમારે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
સાપુતારાની પહાડીઓ અને ઘોર જંગલ વચ્ચે વોટર ફોલ્સ લોકોને ખૂબ આકર્ષિત કરે છે. તેના લીધે ફક્ત ગુજરાત જ નહી મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો વરસાદની સિઝનમાં અહીં ફરવા આવે છે. મોનસૂનની સમયમાં ઘણીવાર સેલ્ફીના ચક્કરમાં અકસ્માત થાય છે.
આવા અકસ્માત ન સર્જાય, એટલા માટે જિલ્લાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ટીકે ડામોર દ્વારા જાહેર કરવામાં આવેલા સાર્વજનિક નોટિફિકેશન દ્વારા સેલ્ફી પર પ્રતિબંધ લગાવવાની જાણૅકારી આપી છે. આમ કરનાર વિરૂદ્ધ આઇપીસી કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ 200 રૂપિયાનો દંડ અથવા એક મહિના સુધીની જેલ જવાનો વારો આવી શકે છે.
જોકે કોરોના પ્રતિબંધ દૂર કર્યા બાદ ડાંગમાં મોટી સંખ્યામાં પર્યટકો પહોંચી રહ્યા છે, પરંતુ આ વખતે વહિવટીતંત્રએ પહેલાંથી જ તૈયારીઓ કરી લીધી છે. આ પહેલાં વર્ષ 2019માં વહિવટીતંત્ર વઘઇ-સાપુતારા હાઇવે અને વોટર ફોલ્સ પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.