કોરોના કાળમાં કોરોના વોરિયર એટલે કે કોરોના યોદ્ધા શબ્દ ખૂબ જ પ્રચલિત બન્યો. ડોક્ટર, નર્સ સહિત પેરા મેડિકલ સ્ટાફની અગ્રીમ હરોળના એટલે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર તરીકે ગણના થઈ.અગ્રીમ હરોળના કોરોના વોરિયરે રાત દિવસ પોતાના પરિવારની ચિંતા કર્યા સિવાય પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને કોરોના સંક્રમિતોની સેવા સારવાર કરી અનેક કોરોના દરદીઓના જીવનની રક્ષા કરી હતી.
તો ધાર્મિક, સામાજિક અને સેવાભાવી સંસ્થાઓએ કોરોનાના કપળા કાળમાં જરૂરિયાત મંદોને મદદરૂપ બની કોરોના વોરિયરની ભૂમિકા અદા કરી હતી.પરંતુ આજે આપને એવા અનોખા કોરોના વોરિયરની વાત કરવી છે કે જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. વાત છે, વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારના વ્યંઢળ સમાજના સુકાની અંજુ માસીની..
અંજુ માસી બરાનપુરા વ્યંઢળ સમાજના પ્રમુખ, સામાજિક કાર્યકર્તા અને સમાજસેવીની જવાબદારી વહન કરી રહ્યા છે.શહેરના આ વિસ્તારમાં ૨૫૦ ઉપરાંત વ્યંઢળ સમાજના લોકો વસવાટ કરે છે.કોરોના કાળમાં અનેક સેવાભાવી સંસ્થાઓ જરૂરિયાતમંદોની વહારે આવી હતી.તો આ સમાજે પણ વિપદાની ઘડીમાં જરૂરતમંદોની સેવા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે એવી લાગણી વ્યક્ત કરતા અંજૂ માસી કહે છે કે તેરા તુજ કો અર્પણની ઉદાત ભાવના સાથે સમાજે અમને ઘણું બધું આપ્યું છે.
ત્યારે સંકટની ઘડીમાં વંચિતો, જરૂરિયાતમંદોને મદદરૂપ થવું એ અમારી નૈતિક ફરજ સમજી સમાજનું એ ઋણ ચૂકવવાનો કોરોના સંકટે અમને મોકો આપ્યો છે. કોરોનાની પહેલી અને બીજી ઘાતક લહેરમાં વ્યંઢળ સમાજ દ્વારા શહેરમાં જરૂરતમંદોને ૫ હજાર અનાજ કીટ, ભોજન અને શાકભાજીની સેવા પૂરી પાડી સમાજ સેવાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું.
અંજુ માસીના સમાજ સેવાના કાર્યની નોંધ લઈ રાજયના નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે પત્ર લખી તેમની અને સાથીઓની કોરોના યોદ્ધા તરીકેની કામગીરીને બિરદાવી છે.સમાજના અવિભાજ્ય અંગ સમાન વ્યંઢળ સમાજે વિપદ વેળાએ સમાજની સેવા કરી પ્રેરક અને અનુકરણીય કામગીરી કરી છે. સલામ છે આ કોરોના લડવૈયાઓને..