રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોમાં સામાન્ય ચૂંટણી, બોટાદ-વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી યોજાઈ હતી. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાઓની ત્રણ બેઠકો, નગરપાલિકાની 21 બેઠકો, જિલ્લા પંચાયતની નવ બેઠકો અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પેટાચૂંટણીનો કાર્યક્રમ પણ રાજ્ય ચૂંટણીપંચે જાહેર કર્યો હતો. રવિવારે યોજાયેલી આ ચૂંટણીનું 18 ફેબ્રુઆરી એટલે કે મંગળવારે પરિણામ આવશે. તમને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ વિષે તો ખબર હશે પણ શું આપ જાણો છો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની કેમ જરૂર પડે છે ? તો આવો જાણીએ..
ભારતના બંધારણમાં સત્તાના વિકેન્દ્રીકરણની વાત છે. ગામમાં રહેતો માણસ પોતાની સમસ્યાઓનો ઉકેલ પોતાના સ્તરે જલદી લાવી શકે તેવા ઉદ્દેશ સાથે સ્થાનિકસ્વરાજની સંસ્થાઓની રચના કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ મુકેશ ખટીક કહે છે કે નાનામાં નાનો વ્યક્તિ સ્થાનિક સરકારનોભાગ બને તે માટે સ્થાનિકસ્વરાજની ચૂંટણી યોજાય છે. ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવ નીચા સ્તર પર કામ કરવા માટે પહોંચી શકતી નથી માટે સ્થાનિકસ્વરાજનો ખ્યાલ આપવામાં આવ્યો છે.
સ્થાનિકસ્વરાજની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે.
તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં તમને જે કંઈ પણ પ્રાથમિક સુવિધાઓની જરૂર પડે છે તે પૂરી પાડવાનું કામ સ્થાનિકસ્વરાજની સંસ્થા કરતી હોય છે. જેમ કે રસ્તા બનાવવા, ગટરની વ્યવસ્થા કરવી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવી વગેરે જેવાં કામ પંચાયત અથવા પાલિકા કરતી હોય છે માટે સ્થાનિક કામોના નિકાલ માટે આ ખૂબ જ જરૂરી છે. આ સંસ્થાઓ લોકોને સીધી રીતે સ્પર્શે છે."
ગુજરાત સરકારની પંચાયતી રાજ વિભાગની વેબસાઇટ પર તાલુકા પંચાયતે કરવાનાં કામની યાદી પણ આપવામાં આવી છે.
જેમાં ગામના રસ્તા બનાવવા, પ્રાથમિક શાળાઓ ખોલવી અને તેનું સંચાલન કરવું, તાલુકા કક્ષાએ આરોગ્યની સેવાઓ પૂરી પાડવી વગેરે જોગવાઈ કરવામાં આવી છે.
ભારતના બંધારણમાં પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત બંધારણની કલમ 243 જી પ્રમાણે પંચાયતની સત્તાઓ, સત્તાધિકાર અને જવાબદારીઓ સોંપવામાં આવી છે.
જેમાં 29 કાર્યો પંચાયતોએ કરવાનાં છે. જે પ્રમાણે ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની યાદીઓને વહેંચી દેવામાં આવી છે.
આ યાદી ભારતના બંધારણમાં આપવામાં આવેલી યાદી કરતાં પણ મોટી છે.
મહાત્મા ગાંધીએ પણ સ્થાનિકસ્વરાજ અને પંચાયતી રાજની વકીલાત કરી હતી, તેમની માન્યતા હતી કે સ્થાનિક સ્વરાજ દ્વારા જ આપણે ભારતના ગ્રામનો વિકાસ સાધી શકીશું.