ગુજરાતમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં જ રાજ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે અને અરબી સમુદ્રમાં આવનારા દિવસોમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આવતા અઠવાડિયે કર્ણાટકના દરિયાકાંઠા નજીક એક સિસ્ટમ બનશે અને પછી તે મજબૂત બનશે.
હાલ ચોમાસું અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે. આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં આગળ ચાલી રહ્યું છે અને કેરળ પર પણ તેની વહેલી શરૂઆત થવાની શક્યતા છે.ચોમાસાની શરૂઆત પહેલાં જ ગુજરાત અને મહારાષ્ટ્ર પર ભારેથી અતિભારે વરસાદ અને જો સિસ્ટમ વધારે મજબૂત બને તો વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.હવામાન વિભાગના કહેવા મુજબ આ સિસ્ટમ ઉત્તર તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધશે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે.
હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે 21 મેના રોજ કર્ણાટક અને કોકણના દરિયાકાંઠા પાસે એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનશે. જે બાદ આ સિસ્ટમ મજબૂત બનશે. આ સિસ્ટમ 22 મેના રોજ લૉ-પ્રેશર એરિયા બની જશે અને તે બાદ પણ તેને તાકાત મળતી રહેશે એટલે તે વધારે મજબૂત બનવાની શક્યતા છે.
હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આવશે અને તેની અસર આ બંને રાજ્યો પર થશે.આ સિસ્ટમ બન્યા બાદ 23 મેની આસપાસ તે આગળ વધવાની શરૂઆત થશે અને તે બાદ તે 24 કે 25 મેની આસપાસ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. લૉ-પ્રેશર એરિયા બન્યા બાદ તે કેટલા દિવસ સુધી દરિયામાં રહે તેના પર બધો આધાર છે કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં.
હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ લૉ-પ્રેશર એરિયા બન્યા બાદ વધારે મજબૂત થશે પરંતુ હજી એવી માહિતી આપી નથી કે આ સિસ્ટમ વાવાઝોડું જ બની જશે.
ગુજરાતના કયા વિસ્તારોને અસર થવાની શક્યતા છે?
જો આ સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશન કે ડીપ-ડિપ્રેશન બને તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં વધારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર હાલની સ્થિતિ પ્રમાણે તેની વધારે અસર થવાની શક્યતા છે અને મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.
આ સિસ્ટમ જો ગુજરાત પર આવી તો રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતની સાથે મહારાષ્ટ્રના મુંબઈ, મધ્ય મહારાષ્ટ્ર અને કોકણના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળે તેવી શક્યતા છે.
આ સિસ્ટમ વાવાઝોડું બની તો કેટલી ઝડપથી પવન ફૂંકાશે?
હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ લૉ-પ્રેશર એરિયા બનશે ત્યારે પવનની ગતિ પ્રતિ કલાક 30 કિલોમીટરની આસપાસ હશે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે જો આ સિસ્ટમ વધારે મજબૂત બની અને ડિપ્રેશન બને તો પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિકલાક સુધી જઈ શકે છે. જે બાદ જો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તો પવનની ગતિ 65 કિલોમીટર પ્રતિકલાકથી વધીને 80 કિમી પ્રતિકલાક સુધી પણ જઈ શકે છે.
હાલની સ્થિતિમાં હજી સિસ્ટમ બની નથી ત્યાં સુધી એ નક્કી ના થઈ શકે કે કયા વિસ્તારમાં કેટલો પવન ફૂંકાશે. એક વખત લૉ-પ્રેશર એરિયા બની ગયા બાદ ખબર પડશે કે ખરેખર પવનની ગતિ કેટલી રહેશે. ગુજરાતમાં હાલની સ્થિતિએ 22મેથી વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થઈ જશે અને જે બાદ 24થી 28 મે સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.