તમાકુ ખાવાની આદતથી કરજણના 52 વર્ષીય આધેડના મોંમાં પડેલી ગાંઠમાં કીડા પડી ગયા બાદ તેના અડધા ભાગમાં આંખ સિવાયનો આખો હિસ્સો ખવાઇ ગયો હતો. એટલું જ નહીં આ હાલતને લીધે મોંમાંથી આસપાસના લોકોનું માથું ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાતી હતી. આ આધેડની 11 કલાક લાંબી સર્જરી વડોદરાના 3 તબીબોની ટીમે કરી ચહેરાને નવો ઓપ આપ્યો છે. સંભવત: રાજ્યમાં આ પ્રથમ સર્જરી છે. સર્જરી કરનાર ડો. હિમાંશુ નાયકે જણાવ્યું કે, એક વર્ષ અગાઉ જ્યારે આ દર્દી મારી પાસે આવ્યો ત્યારે તેને માત્ર નાની ગાંઠ હતી. નિદાન કરતા મેં તેને સારવારની વિગતો જણાવી હતી. પણ એક વર્ષ સુધી તેણે આયુર્વેદ સહિત અન્ય દવાઓ લેતાં કોઇ અસર થઇ નહીં અને કપરી હાલતમાં હતો. આ સર્જરી દરમિયાન પહેલા 4 કલાકમાં તેના મોંનો ગાલ સહિતનો અડધો ભાગ કાઢી નાખવો પડ્યો હતો. આ ગાંઠ 18 સેન્ટિમીટર લાંબી અને 15 સેન્ટિમીટર પહોળી હતી. તેની અડધી જીભ, ઉપર-નીચેના જડબાનો ભાગ પણ કાઢી નાંખવો પડ્યો હતો. સદભાગ્યે આંખના ભાગે ગાંઠ પહોંચી ન હોવાથી તેને યથાવત રખાઈ હતી. વધુમાં ડોક્ટરે કહ્યું હતું કે, ત્યારબાદ બીજા 4 કલાક તેની જાંઘમાંથી ચામડી સહિતનો મોટો ફ્લેપ કઢાયો હતો. જેને તુરંત જ ગાલના ભાગે ફિટ કર્યો હતો. આ માટે માઇક્રોવાસ્ક્યુલર સર્જરી કરવી પડી હતી. જેમાં સ્નાયુઓને તેની ધમની અને શિરાને લૂપ નામના આંખ પર પહેરાતા માઇક્રોસ્કોપ વડે કૌશલ્યપૂર્વક જોડવામાં આવે છે. આ માટે જે ટાંકા લેવાય છે તેનો દોરો વાળથી પણ પાતળો હોય છે. આવા લગભગ 1000થી વધુ ટાંકા લેવાયા હતા. અઠવાડિયા બાદ તે સંપૂર્ણપણે રિકવર થશે તેવું તબીબોએ જણાવ્યું હતું. આ સર્જરીમાં પ્લાસ્ટિક સર્જન ડો. નાયક, ડો. નીરવ મહારાજા ઉપરાંત કેન્સર તજ્જ્ઞ ડો. પ્રિયાંક રાઠોડ પણ જોડાયા હતા. આ સર્જરીના મુખ્ય તબીબ પ્લાસ્ટિક સર્જન ડો. હિમાંશુ નાયકે જણાવ્યું કે, મારી 26 વર્ષની કારકિર્દીમાં મેં આવું ઓપરેશન પહેલીવાર કર્યું છે. વિશ્વકક્ષાએ સુપ્રસિદ્ધ મેડિકલ જર્નલમાં અમે આ સર્જરીની વિગતો મોકલવાનું વિચારી રહ્યા છીએે. કારણ કે આ અત્યંત દુર્લભ કહી શકાય તેવી બાબત છે.