દેશમાં પહેલીવાર સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી શરૂ કરાયેલી સી પ્લેન સેવા હાલમાં કોવિડ મહામારીને કારણે બંધ છે. પરંતુ એક નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઓપરેટ થયેલા સી પ્લેનના ભાડા પેટે રાજ્ય સરકારનો વાયાબિલીટી ગેપ ફંડિંગ માંથી બાકી નીકળતો 47 લાખ રૂપિયાનો હિસ્સો ઝડપથી ચુકવી દેવા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. વધુમાં આ પત્રમાં તેમણે ગુજરામાં એર કનેક્ટિવિટી વધારવા જરૂરી એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની સાથે ભાવનગર, જામનગર, કંડલા, પોરબંદર, વડોદરા અને સુરત એરપોર્ટ પર જરૂરી જમીન સંપાદનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું છે. સિંધિયાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અમદાવાદ અને કેવડિયા વચ્ચે રિજનલ એર કનેક્ટિવિટી યોજના હેઠળ સ્પાઈસ જેટ દ્વારા સંચાલિત સી પ્લેનના બાકી નિકળતા નાણાં ચુકવી દેવા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઉડાન યોજના હેઠલ ઓછા ભાડામાં સંચાલિત થતી ફ્લાઈટ દીઠ તમામ એરલાઈન્સ રિઝનલ એર કનેક્ટિવીટી ફંડ ટ્રસ્ટ (આરએસીએફટી)માંથી નાણાં ચુકવવામાં આવે છે. જેમાં 80 ટકા હિસ્સો કેન્દ્ર સરકાર અને 20 ટકા હિસ્સો રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. બીજી બાજુ આ ટ્રસ્ટમાંથી સી પ્લેનના ભાડા પેટે બાકી નિકળતા 47 લાખ રૂપિયા અંગે રાજ્ય સરકારના ઉડ્ડયન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, સરકાર તરફથી બાકી નીકળતા નાણાં તાજેતરમાં ચુકવી દેવાયા છે જેથી હવે કોઈ નાણાં બાકી રહેતા નથી. હાલમાં કોરોના મહામારીને પગલે સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સંચાલિત થતી સી પ્લેનની સેવા બંધ રાખવામાં આવી છે. જો કે એરલાઈન્સના અધિકારીઓની સપ્ટેમ્બરમાં બેઠક યોજાવાની છે જેમાં કોરોનાની સમિક્ષા કર્યા બાદ જરૂરી નિર્ણય લેવામાં આવશે. જો કોરોનાની ત્રીજી લહેર નહીં આવે તો રાજ્યમાં ફરીથી દિવાળી સુધીમાં સી પ્લેનની સેવા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.