અક્ષય કુમારની પેડમેન ફિલ્મ આવી છે, ત્યારે અનેક લોકો પેડમેન ચેલેન્જ લઈ રહ્યા છે. લોકો તેની અવેરનેસ માટે સોશિયલ મીડિયા પર ઘણુંબધું લખી રહ્યા છે. ત્યારે વડોદરાની એક યુવતીએ રેડ ઇન્કના ડાઘવાળો સેનેટરી નેપકીન સાથેની પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરતા તે ખુબ જ ટ્રોલ થઇ હતી. વડોદરાની રાજેશ્વરીએ સોશિયલ મીડિયામાં સેનેટરી નેપકીન સાથેની તસવીર પોસ્ટ કરી છે અનેં પોસ્ટમાં લખ્યુ હતુ કે, ‘હા, અમે લોહી વહાવીએ છીએ અને અમે આ ચેલેન્જ દર મહિને લઈએ છીએ. ક્લીન સેનેટરી નેપ્કીન્સ પોસ્ટ કરવાની સોશિયલ મીડિયાની ચેલેન્જ ઉઠાવવી ઘણી સહેલી છે. પરંતુ અહીં વિચાર સામાજિક અવરોધો અને માન્યતાઓને પડકારવાનો છે. ઉપરાંત, માસિક સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાનો છે. અમે ઈકો ફ્રેન્ડલી સેનેટરી નેપકીન્સને સપોર્ટ કરીએ છીએ.
આ પોસ્ટ વડોદરાની મહિલા રાજેશ્વરી સિંઘ દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે. જેને માત્ર 52 કલાકમાં હજારો લોકો દ્વારા લાઈક કરવામાં આવી છે. તો સેંકડો લોકો દ્વારા કોમેન્ટ અને શેર પણ કરવામાં આવી છે. જ્યારે કોમેન્ટસમાં થોડાક જ સમયમાં રાજેશ્વરીને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. ટ્રોલમાં ગર્લ્સ, મહિલાઓ, યુવકો અને પુરુષો રાજેશ્વરીની પોસ્ટ પર સતત પોઝિટિવ-નેગેટિવ કોમેન્ટ્સ કરી રહ્યા છે. લોકોની પ્રતિક્રિયાનાં જવાબમાં રાજેશ્વરીએ જણાવ્યું છે કે તમારો ખૂબ આભાર. ખરેખર તો તમારે પબ્લિક પ્લેટફોર્મ પર મને ખરાબ રીતે આંગળી ચીંધવા બદલ માફી માંગવી જોઈએ. જો તમે મારો મેસેજ ના સમજી શકતા હોવ કે સમજી શકતા હોવ તે મારો પ્રોબ્લેમ નથી. હું એક સ્વતંત્ર દેશમાં રહુ છું. જ્યાં મને મારા વિચારો રજૂ કરવાની સંપૂર્ણપણે સ્વતંત્રતા છે. મેં અહીં ઇકો ફ્રેન્ડલી નેપકીનને રેડ ડ્રોપ સાથે યુઝ કર્યું છે. જેના માટેનો મારો મૂળ વિચાર પણ દર્શાવ્યો છે.