Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં કમોસમી વરસાદ : આજે પણ આગામી 24 કલાક ભારે, જાણો આજે ક્યા ક્યા પડશે વરસાદ ?

Unseasonal rains in Gujarat
, સોમવાર, 27 નવેમ્બર 2023 (12:05 IST)
Unseasonal rains in Gujarat

 
ગુજરાતમાં શિયાળાની શરૂઆત થાય તે પહેલાં જ માવઠાની શરૂઆત થઈ ગઈ છે. 26 નવેમ્બરની સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે હજી આવનારા 24 કલાક રાજ્ય માટે ભારે છે અને અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. 
 
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 27 નવેમ્બર સુધી માવઠાની આગાહી કરવામાં આવી હતી. આગાહી મુજબ જ છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જેને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. ગઈકાલે કચ્છથી લઈને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો
 
હવામાન વિભાગે ગુજરાતના વિવિધ ભાગોમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી આપી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ભાગો સામેલ છે. સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમેરેલી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ પણ થઈ ગયો છે.
 
અત્યાર સુધી ગુજરાતમાં વાતાવરણ શુષ્ક હતું પરંતુ એકાએક હવામાનમાં પલટો આવ્યો છે. આ સમયે વરસાદ પડતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, કેમ કે હાલ ખેતરમાં મોલ ઊભો છે અને માવઠાને લીધે તેને નુકસાન થઈ શકે છે.
 
ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પણ આ સિસ્ટમને કારણે વરસાદ પડશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ અહેવાલમાં આપણે જોઈશું કે ગુજરાતમાં આવનારા દિવસોમાં હવામાન કેવું રહેશે અને ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
કારતક પૂનમનો મેળો બંધ રાખવો પડ્યો
સૌરાષ્ટ્ર પર નજર કરીએ તો, ગીર સોમનાથ જિલ્લામાં દોઢ ઈંચ વરસાદ પડતાં પાકને વ્યાપક નુકસાન થયું હતું અને કાર્તિકી પૂર્ણિમાનો મેળો પણ બંધ રાખવો પડ્યો હતો. 55 હજાર હેક્ટર રવીપાક માથે જોખમ સર્જાયું હતું. જૂનાગઢમાં તો શનિવારની રાત્રિના 3:30થી જ વાતાવરણ પલટાઈ ગયું હતું. ભારે પવનથી રોપ-વે બંધ કરવાની ફરજ પડી હતી. ગિરનારના પરિક્રમાર્થીઓને 15 કિ.મી.થી વધુમાં કાદવ-કીચડ અને લપસણા માર્ગ પરથી ચાલવું પડ્યું હતું. 
 
ગુજરાતના કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ?
 
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં 26 નવેમ્બરના રોજ વરસાદી માહોલ રહેશે અને 27 નવેમ્બરની સવાર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
 
અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ તથા તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે.
 
જ્યારે અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ જિલ્લાના કોઈ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાઠાં, સાબરકાંઠા, મહેસાણા, પાટણ તથા ગાંધીનગરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે.
 
સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદની સાથે-સાથે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.
 
કચ્છ જિલ્લામાં પણ 26 નવેમ્બરના રોજ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. એટલે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ફરી ચોમાસા જેવો માહોલ રહેશે.  
 
બીજી તરફ આજે એટલે કે 27મી નવેમ્બર માટે પણ આવી આગાહી કરાઈ છે. ગુજરાતના દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગરહવેલીમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM મોદીએ તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા કરી, 140 કરોડ દેશવાસીઓ માટે કરી પ્રાર્થના