Shweta Shrimali IPS Gujarat
સિનિયર IPS અધિકારીઓ સૌરભસિંહ, શ્વેતા શ્રીમાળી અને તેજસ પટેલની બદલી કરવામાં આવી
સિનિયર IPS અધિકારી સૌરભસિંહ ચાર વર્ષ માટે ડેપ્યુટેનશન પર જશે
ગાંધીનગરઃ ગુજરાતમાં ઘણા સમયથી અટકી પડેલી ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીઓનો ગંજીફો ચીપાયો છે. રાજ્ય સરકારે સિનિયર અધિકારીઓની બદલીનો આદેશ આપી દીધો છે. જેના આધારે સિનિયર IPS અધિકારીઓ સૌરભસિંહ, શ્વેતા શ્રીમાળી અને તેજસ પટેલની બદલી કરવામાં આવી છે.સિનિયર IPS અધિકારી સૌરભસિંહ ચાર વર્ષ માટે ડેપ્યુટેનશન પર જશે. સૌરભસિંહ 2012 ગુજરાત કેડરના IPS અધિકારી છે. જ્યારે તેજસ પટેલની SRPF ભચાઉ ખાતે બદલી કરાઈ કરાઈ છે. તેજસ પટેલ અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ હતા. તેમના સ્થાને હવે શ્વેતા શ્રીમાળીને અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપરીટેન્ડેન્ટ બનાવાયા છે.
તેજસ પટેલની અતિક અહેમદ કેસમાં બદલી કરાયાની ચર્ચા
તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં ગેંગસ્ટર અતિક અહેમદની હત્યા કરવામાં આવી છે. જ્યારે અતિક અહેમદ અમદાવાદની સાબરમતિ જેલમાં હતો ત્યારે તેના કેસમાં સરકારની બદનામી થાય તેવી સ્થિતિ ઉભી થઈ હતી. જેથી તેમની જગ્યાએ કડક અધિકારી ગણાતા શ્વેતા શ્રીમાળીને અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ બનાવવામાં આવ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ તેજસ પટેલને સરકારે સાઈડ કરીને SRPF ભચાઉ ખાતે મોકલી દીધા હોવાનું પણ સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. જેથી તેજસ પટેલની અતિક અહેમદ કેસમાં બદલી કરાયાની ચર્ચા ચાલી રહી છે.
47 પીઆઈ અને 127 પીએસઆઈની પણ બદલી
ગુજરાતમાં બિન હથિયારધારી 47 પીઆઈ અને 127 પીએસઆઈની પણ બદલીના આદેશ રાજ્યના પોલીસ વડા દ્વારા અપાયા હતાં. ઘણા પોલીસ ઈન્સપેક્ટરોને અચાનક બદલીના આદેશથી ઝટકો લાગ્યો હતો. ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ શહેરમાં ફરજ બજાવતા ઇન્સપેકટર ઉપરાંત અધિક પોલીસ મહાનિદેશક, સી.આઈ.ડી. ક્રાઇમ/ઇન્ટેલિજન્સ/કાયદો અને વ્યવસ્થા તથા મુખ્ય પોલીસ અધિકારી અને નિયામક, લાંચ રુશ્વત વિરોધી બ્યુરો, અધિક પોલીસ મહાનિદેશક એ.ટી.એસ.ના પોલીસકર્મીઓની બદલી માટેની નોટિસ તમામ પોલીસ સ્ટેશનમાં રજૂ કરી દેવામાં આવી છે.તમામ PSIને બદલીની જગ્યાએ તાત્કાલિક હાજર થવા સુચન કરવામાં આવ્યું છે.