વડાપ્રધાન મોદી આજે શહેરમાં 3472.54 કરોડના 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન સુરતીઓનો મિજાજ અને વિકાસના સહયોગને બિરદાવશે, તિરંગા માટે શાબાશી આપશે. ગોડાદરા મહર્ષિ આસ્તિક વિદ્યાલયના મેદાનના હેલિપેડથી લિંબાયત નિલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધીના 2.70 કિમીના રૂટ પર મેગા રોડ શો યોજાશે.
સુરતમાં વસતા વિવિધ સમાજના અગ્રણીઓ અને નાગરિકો પુષ્પવર્ષાથી વધાવશે. રોડ શોમાં 50 હજાર લોકો જોડાશે. વડાપ્રધાન હેલીપેડ પર સવારે 10.45 વાગ્યે પહોંચશે ત્યાંથી જાહેરસભા સ્થળે જશે. જેથી અંદાજે 20 મિનિટનો રોડ શો રહેશે ત્યારબાદ 1 કલાક જાહેરસભામાં ઉપસ્થિત રહેશે. હાલ મોટી સંખ્યામાં રોડ-શો અને સભા સ્થળે લોકો પહોંચી રહ્યા છે.સુરતની લિંબાયત વિધાનસભા મતવિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજ રહે છે. ભાજપ પ્રદેશ સીઆર પાટીલના લોકસભાઓનો આ વિધાનસભા વિસ્તાર છે. નરેન્દ્ર મોદીના આગમને લઈને મહારાષ્ટ્ર સમાજમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન ઉપર મહારાષ્ટ્રીયન સમાજના બાળકો દ્વારા લોકગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.રોડ શો રૂટ પર બેરિકેડિંગ સહિતની તૈયારી કરાઈ છે. સમગ્ર રૂટ પર 8 કલાક પૂર્વેથી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તમામ ક્રોસિંગ પર CCTV દ્વારા મોનિટરિંગ થશે. એટલું જ નહીં પણ રોડ શો દરમ્યાન માર્ગ પર કોઇ પશુ પણ વચ્ચે આવી ન શકે તે રીતે રહેણાંક વિસ્તારોની ફૂટપાથ આડે જાળીઓ ફિટ કરાઇ છે.