આજે FSL અને RTOનો રિપોર્ટ સહિત જેગુઆર કારના મિકેનિકલ એન્જિનિયરનો પણ રિપોર્ટ આવશે
આજે સવારે મણિનગરમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો, પોલીસે કાર્યવાહી શરૂ કરી
અમદાવાદઃ શહેરમાં ઈસ્કોન બ્રિજ પર જગુઆર કારથી 9 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલના કોર્ટે આજે સાંજે ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતાં. તેના આજે રિમાન્ડ પૂર્ણ થતાં સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તે ઉપરાંત આજે FSL અને RTOનો રિપોર્ટ સહિત જેગુઆર કારના મિકેનિકલ એન્જિનિયરનો પણ રિપોર્ટ આવશે. આજે કોર્ટ અને પોલીસ તરફથી શું કાર્યવાહી થશે તેના પર લોકોની નજર મંડરાયેલી છે.
થાર કોણ ચલાવતું હતું તેની પણ તપાસ હાથ ધરાઈ
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ગંભીર ઘટનામાં આરોપી તથ્ય પોલીસની તપાસમાં સહકાર નથી આપતો. આ કેસમાં પોલીસે અત્યાર સુધી 30થી વધુ લોકોના નિવેદન લીધા છે. પોલીસે તથ્ય અને તેના મિત્રો ક્યાં ગયા કેટલીવાર રોકાયા અને ક્યાં રોડ પર ગયા હતા? તેની તપાસ શરૂ કરી છે. સમગ્ર રોડના સીસીટીવી ફૂટેજ પોલીસે કબ્જે કર્યા છે. આ કેસ પહેલાં જ આરોપી તથ્યએ સિંધુભવન રોડ પર થાર કાર ચલાવીને રેસ્ટોરન્ટમાં ઘૂસાડી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવતાં પોલીસે ઘટનાના 20 દિવસ બાદ ફરિયાદ નોંધી છે. આ કેસમાં થાર કોણ ચલાવતું હતું તેની પણ તપાસ હાથ ધરાઈ છે.
વધુ એક નબીરાએ મણિનગરમાં અકસ્માત સર્જ્યો
તથ્યએ ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડ્યા બાદ આ અકસ્માત પહેલાં થારનો એક ડમ્પર સાથે અકમ્સાત થયો હતો. જેમાં પણ સગીર કાર ચાલક અને તેના પિતા સામે ફરિયાદ નોંધાઈ છે. આવી ગંભીર ઘટનાઓ બાદ પણ નબીરાઓની શાન ઠેકાણે નથી આવી રહી. શહેરમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે. શહેરના મણિનગર વિસ્તારમાં નશામાં ધૂત અને પુરપાટ ઝડપે કાર ચલાવીને જઈ રહેલા નબીરાએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પહેલા બાંકડાને અથડાઈ હતી ત્યાર બાદ પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ગૂનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી હતી. આ અકસ્માત સર્જનાર કારમાંથી દારુની બોટલ પણ મળી આવી હોવાના અહેવાલ છે.આ ઘટનામાં કાર ચાલક સહિત ત્રણ નબીરાઓને સ્થાનિકોએ દબોચીને પોલીસને સોંપ્યા હતા.