અમદાવાદના હોટલમાં પનીરના શાક ખાતા પહેલા વિચારજો, AMCના ચેકિંગમાં શહેરમાંથી લીધેલા પનીરના નમૂના અપ્રમાણિત સાબિત થયા
કેળાની વેફર્સ, બટાકાની વેફર્સ સહિતના નમુના પણ અપ્રમાણિત
તહેવારોને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓગસ્ટ મહિનામાં શહેરમાં આવેલી અલગ અલગ મીઠાઇ, નમકીન, બેકરી પ્રોડક્ટ, ડેરી, હોટલ વગેરેમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. ઓગસ્ટ મહિનામાં 164 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતાં જેમાં પનીર, બટાકાની વેફર, કેળાની વેફર અને નોનવેજ અપ્રમાણિત હોવાનું બહાર આવ્યું છે. 8 જેટલા નમૂના અપ્રમાણિત આવતા તેમની સામે ફૂડ સેફટી એકટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોર્પોરેશનના ફૂડ એન્ડ હેલ્થ વિભાગે સપ્ટેમ્બર માસમાં 17 તારીખ સુધીમાં 125 જેટલા નમૂના લીધા છે. જેમાં મોદક લાડુ અને મગસના 13 નમૂના લીધા છે, દૂધની બનાવટ (સ્વીટ)ના 11 નમૂના લીધા છે, બેકરી પ્રોડક્ટના 3 નમૂના લીધા છે, નમકીનના 2 નમૂના લીધા છે, બેસનના 4 નમૂના લીધા છે, મસાલાનાં 7 નમૂના લીધા છે જ્યારે અન્ય 5 નમૂના લીધા છે. આ તમામ 125ના પરિણામ બાકી છે.
ઓગસ્ટ માસમાં ફૂડ એન્ડ હેલ્થ વિભાગના લીધેલા નમૂનામાં વસ્ત્રાલમાં ધ એમીનેટ રેસ્ટોરન્ટ એન્ડ બેંકવેટમાંથી પનીરના નમૂના, વસ્ત્રાલની ઉમિયા ડેરીમાંથી પનીરના નમૂના, ભૈરૂનાથ જૈન ચવાણામાંથી બટાકાની વેફર, કુબેરનગરમાં આવેલા શિવશંકર પાપડ પ્રોડકટ્સમાથી ફાયમસ , કાલુપુરમાં આવેલી આર એસ એસ કેળાં વેફર્સમાં થી કેળાં વેફર્સ, નરોડામાં ન્યુ મરાઠા નોન વેજ હોટલમાંથી તંદૂરી ચિકન મસાલા લ, મણિનગરમાં ચેતક ચવાણ માર્ટમાંથી ઝીણી સેવ, માધુપુરામ સાવન લાઈવ કેળાં વેફર્સમાંથી કેળાં વેફર્સના નમૂના અપ્રમાણિત હોવાનુ બહાર આવ્યું છે. આ તમામ 8 એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ સેફટી એકટ અંતર્ગત લાયસન્સ અને રજિસ્ટ્રેશન વગર તેઓ ધંધો કરશે અથવા હલકી કક્ષાની ગુણવત્તાવાળા માલ બનાવવા કે સંગ્રહ કરનાર સામે ઓણ કાર્યવાહી થશે.