Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શ્રાદ્ધ બેસતા પહેલા જ મંત્રીઓએ સંભાળી લીધો ચાર્જ, કોઈએ ઈશ્વરની પ્રતિમા તો કોઈએ પુસ્તકો સાથે કર્યો પ્રવેશ

શ્રાદ્ધ બેસતા પહેલા જ મંત્રીઓએ સંભાળી લીધો ચાર્જ, કોઈએ ઈશ્વરની પ્રતિમા તો કોઈએ પુસ્તકો સાથે કર્યો પ્રવેશ
, શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (13:41 IST)
હવે આગામી બે ત્રણ દિવસમાં શ્રાદ્ધ બેસતા હોવાથી મંત્રીઓએ આજથી જ ચાર્જ સંભાળી લીધો છે. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે શિક્ષણમંત્રી જિતુ વાઘાણી, રાજ્યકક્ષાના શ્રમ અને રોજગારમંત્રી બ્રિજેશ મેરજા અને કૃષિમંત્રી રાઘવજી પટેલે શ્રાદ્ધ પહેલાં જ ચાર્જ સંભાળી લીધો છે. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના આશીર્વાદ લીધા હતા અને તેમણે તેમને ભગવાન ગણેશની મૂર્તિ અને પેન ભેટ આપી હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આજે વિધિવત્ રીતે ચાર્જ સંભાળ્યો છે. તેઓ આજે પોતાની સાથે‘ યશસ્વી ભારત, ભગવદ ગીતા અને માય જર્ની વિથ એન આઈડિયોલોજી નામનાં ત્રણ પુસ્તકો લઈને પોતાની ચેમ્બરમાં આવ્યા હતા.
 
ચાર્જ સંભાળતા જ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આજે મારા સિનિયર પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ પાસે સવા કલાક બેસીને લેસન લીધું છે અને કઈ રીતે કામ કરવું તેની સમજ પણ લીધી છે. તેમણે આજથી જ કોઈ પણ IPS ઓફિસરને કોલ ઓન કરવા આવવું નહીં જેથી સમય બચે અને હું તમારા જિલ્લામાં આવીશ ત્યારે વાત કરીશું એમ કહીને તેમણે એવો અણસાર આપી દીધો હતો કે કોઈ પણ IPS ઓફિસરે ખુશામત કરવી નહીં.
 
રાઘવજી પટેલે પદભાર સંભાળ્યા બાદ રાજયના કૃષિકારો, પશુપાલકો અને પાજરાપોળના ટ્રસ્ટીઓ માટે સદાય હકારાત્મક અભિગમ થકી સંને સહાયરૂપ થવા પ્રયત્નશીલ રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. તે ઉપરાંત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડિયા, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમે પણ આજે પોતાની ચેમ્બરમાં પૂજા વિધિ કરીને ચાર્જ સંભાળ્યો હતો. એ ઉપરાંત મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનાં મંત્રી મનીષાબેન વકીલે પણ આજે ચાર્જ સંભાળ્યો હતો.
 
નવા મંત્રીમંડળની રચના સાથે હવે સ્વર્ણિમ સંકુલમાં પણ પાવર સેન્ટર બદલાયાં છે. જૂના મંત્રીઓએ ખાલી કરેલી ચેમ્બરો નવા મંત્રીઓને ફાળવવાના વિધિવત્ આદેશ સામાન્ય વહીવટ વિભાગે આપ્યા છે. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ નીતિન પટેલ માટે સ્વર્ણિમ સંકુલના બીજા માળે બનાવેલી આલીશાન ચેમ્બર હવે રાજેન્દ્ર ત્રિવેદીને ફાળવાઈ છે. સ્વર્ણિમ સંકુલ-1ના બીજા માળે નીતિન પટેલના સ્ટાફની ચેમ્બર હવે જિતુ વાઘાણીને અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ચેમ્બર કૃષિમંત્રી રાઘવજી પટેલને ફાળવી છે.
 
અગાઉ નીતિન પટેલ હસ્તક બે ચેમ્બર હોવાથી બે કેબિનેટ મંત્રીઓને સ્વર્ણિમ સંકુલ-2માં ચેમ્બર આપી હતી, પરંતુ હવે તમામ 10 કેબિનેટ મંત્રીનો સમાવેશ સ્વર્ણિમ સંકુલ-1માં કરી દેવાયો છે. સ્વર્ણિમ સંકુલ-2માં પાવર સેન્ટર ત્રીજા માળે આવેલી પ્રદીપસિંહ જાડેજાની ચેમ્બર હવે રાજ્યકક્ષાના મંત્રી આર.સી.મકવાણાને અપાઇ છે, જ્યારે નવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને સ્વર્ણિમ સંકુલ-2ના પ્રથમ માળે આવેલી ચેમ્બર-1 અપાઇ છે, જ્યાં રૂપાણી સરકારના કુંવરજી બાવળિયા બેસતા હતા.
 
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવા મંત્રીઓના કાર્યાલયમાં અંગત સચિવની કામગીરી માટે સેક્શન અધિકારી અને અંગત મદદનીશની કામગીરી માટે નાયબ સેક્શન અધિકારીને 16 સપ્ટેમ્બર 2021થી 15 નવેમ્બર 2021 સુધી બે મહિનાના નિશ્ચિત સમયગાળા માટે કામચલાઉ સ્ટાફ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિલ્હી-જયપુર વચ્ચે બનશે દેશનો પહેલો ઈલેક્ટ્રિક હાઈવે, 2 કલાકમાં પુરી થશે યાત્રા - નિતિન ગડકરી