આવતીકાલે જાહેર થશે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ-2022નું પરિણામ
શિક્ષણમંત્રીએ ટ્વિટ કરીને આપી માહિતી
માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ સવારે 10 વાગ્યે પ્રસિદ્ધ કરાશે. આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી.
આ પરિણામ બોર્ડની વેબસાઈટ
result.gseb.org પર જોઇ શકાશે. ઉલ્લેખનીય છે કે, કુલ 1 લાખ 8 હજાર વિદ્યાર્થીઓએ 12 સાયન્સની પરીક્ષા આપી હતી.શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12 સાયન્સના પેપર ચેકિંગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે હવે માત્ર ધો.12 કોમર્સના થોડા પેપર ચેક કરવાના બાકી છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થઇ જશે ત્યારબાદ તબક્કાવાર સૌથી પહેલા ધો.12 સાયન્સ, ત્યારબાદ ધો.10 અને છેલ્લે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે.બોર્ડની પરીક્ષા દર વર્ષ કરતા આ વર્ષે માર્ચ મહિનાના અંતમાં એટલે કે 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવાઈ હતી. પરીક્ષા દરમિયાન જ એટલે કે જે પેપર લેવાઈ ગયા છે તેનું મૂલ્યાંકન ધો.12 સાયન્સ અને ધો.10ના પેપર 11 એપ્રિલથી જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહના પેપર 13 એપ્રિલથી ચકાસવાનું શરૂ કરી દેવાયું હતું. બોર્ડની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં સૌ પ્રથમ ધોરણ 12 સાયન્સની મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી.