કોરોના મહામારીની ચોથી લહેરની આશંકા વચ્ચે રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. એવામાં છેલ્લા પાંચ દિવસથી અમદાવાદના NID કેમ્સમાં કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. જેના કારણે NID માં હાલ તમામ ઓફલાઈન વર્ગો સ્થગિત કરીને ઓનલાઇન કરી દેવાયા છે. એનઆઇડીમાં વધુ 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે 8 મે ના રોજ NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ થયો હતો અને એક સાથે 24 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ જોવા મળ્યા હતા. આ વિદ્યાર્થીઓમાં કેટલાક વિદેશના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ છે.
એનઆઇડી દ્વારા જણાવવામાં આવેલા આંકડા અનુસાર કેમ્પસમાં વધુ 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ 13 કેસમાંથી 11 વિદ્યાર્થી અને 2 સપોર્ટિંગ સ્ટાફના કર્મચારીઓનો સામેલ છે. આ તમામ 13 કોરોના પોઝિટિવ દર્દીઓમાં સામાન્ય યા તો કોઈ જ લક્ષણો ના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, હાલની સ્થિતિમાં NID માં કુલ 37 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાંથી 35 વિદ્યાર્થીઓ ક્વોરન્ટીનમાં છે. જ્યારે 2 સપોર્ટિંગ સ્ટાફના કર્મચારી છે.
અગાઉ 24 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા
આ પહેલા NID કેમ્પસમાં કુલ 24 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મનપાના આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, NIDમાં છેલ્લાં 3 દિવસમાં આ કેસો નોંધાયા હતા. હાલ આ તમામ વિદ્યાર્થીઓને આઇસોલેટ કરવામાં આવ્યા હતા. કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાં કેટલાક વિદેશના અને કેટલાક સ્થાનિક છે. હાલ તંત્ર દ્વારા વિદેશી વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 33 નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 12 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી. જો કે, નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 24, વડોદરામાં 8 અને જામનગરમાં 1 કેસ સામે આવતા કુલ 33 કેસ નોંધાયા છે.