વડાપ્રધાન મોદી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જવા રવાના થયા છે. જ્યાં તેઓ પહોંચતાની સાથે જ ગાંધીનગર ખાતે અત્યાધુનિક મોનિટરિંગ રૂમમાંથી રાજ્યભરના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, BRC, CRC, TPO, DPEO સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ગાંધીનગર ખાતે અત્યાધુનિક મોનિટરિંગ રૂમની તમામ જાણકારી મેળવી હતી અને ત્યાં હાજરી બાળકીઓ જ્યારે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા આવી હતી ત્યારે પીએમ મોદીએ પોતે આ બાળકીઓ પર પુષ્પવર્ષા કરી હતી, આ સાથે જ પીએમ મોદીએ ગુજરાતમાં આવીને બેટી બચાવો, પેટી પઢાઓનો મેસેજ આપ્યો હતો.
આજે ગુજરાત આવી પહોંચેલા વડાપ્રધાન દ્વારા ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ હવે 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે તેઓ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે. ત્યારપછી, લગભગ 3:30 કલાકે તેઓ જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. 20 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 વાગે પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ, બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.